Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ કોલ્ડ્રિફ કફ સિરપ કેસમાં બાળકોની મોતના જવાબદાર શ્રીસન ફાર્મા કંપનીના માલિકની ધરપકડ

Social Share

ભોપાલ મધ્ય પ્રદેશ પોલીસે બાળકોની મોતના મામલે જહેરીલી દવા “કોલ્ડ્રિફ” કફ સિરપ બનાવનાર કંપની શ્રીસન ફાર્માના માલિક રંગનાથનની ધરપકડ કરી છે. પોલીસની એસઆઈટી (વિશેષ તપાસ ટીમ) એ તેમને ચેન્નઈમાંથી ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. કફ સિરપથી થયેલા બાળકોની મોતના કેસમાં રંગનાથન ફરાર હતા અને તેના પર ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ પોલીસે ચેન્નઈ પોલીસના સહયોગથી આ કાર્યવાહી કરી હતી.

પોલીસ ઉપ મહાનિરીક્ષક (ડીઆઈજી) રાકેશ કુમાર સિંહે જાહેર કર્યું હતું કે દવા ઉત્પાદક કંપનીના ફરાર આરોપીઓની માહિતી આપનારાને ઈનામ આપવામાં આવશે અને સૂચના આપનારાનું નામ ગુપ્ત રાખવામાં આવશે. મધ્ય પ્રદેશ પોલીસે આ કેસની તપાસ માટે સાત સભ્યોની SIT રચી છે. ટીમે કંપનીના ચેન્નઈ સ્થિત રજીસ્ટર્ડ ઑફિસ અને કાંચીપુરમની ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. જે બાદ તમિલનાડુ સરકારે પણ કોલ્ડ્રિફ કફ સિરપના ઉત્પાદન પ્લાન્ટને સીલ કરી દીધો છે અને કંપનીને કારણ દર્શાવો નોટિસ આપી ગુનાહિત કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

મધ્ય પ્રદેશમાં કોલ્ડ્રિફ કફ સિરપ પીધા બાદ ઘણા બાળકોની કિડની ખરાબ થઈ ગઈ હતી. સારવાર દરમિયાન અત્યાર સુધીમાં 20 બાળકોના મોત થયા છે. આ બનાવ બાદ મધ્ય પ્રદેશ, કેરળ સહિત અનેક રાજ્યોમાં આ દવા પર પ્રતિબંધ મૂકાયો છે. તમિલનાડુ સરકારે 1 ઑક્ટોબરથી કોલ્ડ્રિફ કફ સિરપની વેચાણ પર પ્રતિબંધ મૂકીને બજારમાંથી સ્ટોક હટાવવાનો આદેશ આપ્યો હતો.

મધ્ય પ્રદેશ પોલીસની SIT ટીમ ત્રણ દિવસ પહેલાં જ ચેન્નઈ પહોંચી હતી. દરમિયાન ટીમે શ્રીસન ફાર્માના માલિક રંગનાથનને અશોકનગર વિસ્તારમાંથી ઝડપી લીધા હતા અને બાદમાં કાંચીપુરમના સુંગુવર્ચત્રમ ખાતે લઈ જઈ વધુ પૂછપરછ કરી હતી. તપાસમાં ખુલ્યું હતું કે, કોલ્ડ્રિફ કફ સિરપમાં 46.2 ટકા ‘ડાયઇથેલિન ગ્લાઈકોલ’ (DEG) નામનો જહેરીલો કેમિકલ હતો. આ કેમિકલ કિડની ફેલ થવાનું મુખ્ય કારણ બને છે. શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનેલી આ કફ સિરપ બાળકો માટે સામાન્ય ઠંડી-ખાંસીની દવા તરીકે વેચાતી હતી પરંતુ તેના કારણે હવે સુધીમાં 20 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે.

Exit mobile version