
લગ્ન કરવાના છે કે સર્કસ કાઢવાનું છે? યુવતી ગાડીના બોનેટ પર બેસીને મંડપમાં પહોંચી
મુંબઈઃ લોકો કંઈક નવુ કરવામાં પોતાની મુશ્કેલીઓ વધારી દે છે. આવી જ ઘટના મહારાષ્ટ્રના પુનામાં સામે આવી છે. કન્યા મોટરકારના બોનેટ ઉપર બેસીને લગ્ન કરવા માટે મંડપ પહોંચી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા યુવતી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ લગ્ન કરવા જઈ રહેલી કન્યાને કંઈક અલગ કરવાનો વિચાર ભારે પડી ગયો છે. પોલીસે કન્યા સહિત અન્ય લોકો સામે પણ ગુનો નોંધ્યો હતો.
પુના પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 23 વર્ષીય શુભાંગી સહિત કેટલાક અન્ય લોકો સામે મોટર-વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લગ્ન કરવા જઈ રહેલી શુભાંગી પોતાના લગ્ન સ્થળ પર ચાલતી એસયુવી કારના બોનેટ ઉપર બેઠી હતી. સાસવડમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આ વીડિયો પુણે-સાસવડ રોડ ઉપર દિવે ઘાટ પાસે બનાવવામાં આવ્યો હતો. કન્યા ચાલતી કારના બોનેટ ઉપર બેઠી હતી. જ્યારે બાઈક સવાર એક વ્યક્તિએ વીડિયોગ્રાપી કરી હતી.
આ ઘટના સામે આવતા જ પોલીસ એકશનમાં આવી હતી. તેમજ મોટર વાહન અધિનિય અને આઈપીસીની કલમ હેઠળ કન્યા, વીડિયોગ્રાફર, કાર ચાલક તથા કારમાં સવાર અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ લોકોએ કોરોના મહામારી વચ્ચે પણ માસ્ક નહીં પહેરીને કોવિડની ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. આ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.