Homeગુજરાતીદેશ-વિદેશરેલવેનો મોટો વિકાસ: રૂ. 9,450 કરોડના ખર્ચ સાથે ચાર મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી,...

રેલવેનો મોટો વિકાસ: રૂ. 9,450 કરોડના ખર્ચ સાથે ચાર મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી, 60 લાખ લોકોને થશે ફાયદો

નવી દિલ્હી, 19 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના અંદાજે રૂ. 9,450 કરોડના કુલ ખર્ચ ધરાવતા ચાર મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ્સ દેશના ચાર રાજ્યોમાં રેલવે ક્ષમતા અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. મંજૂર કરાયેલા ચાર રેલવે પ્રોજેક્ટ્સમાં ખડગપુર – ભદ્રક (રાણીતાલ) ચોથી લાઇન (પશ્ચિમ બંગાળ અને ઓડિશા), ભદ્રક – હરિદાસપુર ચોથી લાઇન (ઓડિશા), ગુમ્મિડીપૂંડી – ગુડુર ત્રીજી અને ચોથી લાઇન (આંધ્રપ્રદેશ અને તમિલનાડુ) અને કટક – પારાદીપ (બડાબંધા) ત્રીજી અને ચોથી લાઇન (ઓડિશા)નો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત સંકલિત આયોજન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી વધારવા અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતાને વેગ આપવાનો છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના 8 જિલ્લાઓને આવરી લેતા આ પ્રોજેક્ટ્સથી ભારતીય રેલવે નેટવર્કમાં અંદાજે 410 કિમીનો ઉમેરો થશે. આનાથી અંદાજે 6,448 ગામડાઓ અને 60 લાખ વસ્તી સીધી કનેક્ટિવિટીથી જોડાઈ જશે.

આ લાઇન વિસ્તરણથી દેશના અનેક પ્રખ્યાત પ્રવાસન સ્થળો જેવા કે ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન, કુલ્ડીહા વન્યજીવ અભયારણ્ય, પુલિકટ સરોવર અને ચાંદીપુર બીચ સુધીની મુસાફરી સરળ બનશે. ઉપરાંત, કોલસો, સિમેન્ટ, આયર્ન ઓર, સ્ટીલ અને અનાજ જેવી આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનમાં વાર્ષિક 76 મિલિયન ટન (MTPA) નો વધારો થશે.

  • પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-બચત પરિવહન

રેલવે પરિવહન ઊર્જા-કાર્યક્ષમ હોવાથી તે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની સાથે અંદાજે 13 કરોડ લીટર તેલની આયાત ઓછી કરવામાં અને 65 કરોડ કિગ્રા CO2 ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે, જે 2.60 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે. આ પ્રોજેક્ટ્સ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular