રેસીપી, 06 ઓગસ્ટ 2026: શું તમને ક્રીમી, બટર, મસાલેદાર અને સ્વાદિષ્ટ કંઈક જોઈએ છે? આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોર્ન બટર મસાલા શાક અથવા મકાઈનું શાકને સ્વીટ કોર્ન, બટર, મસાલા અને ક્રીમથી બનાવેલ અજમાવી જુઓ, જેનાથી તમને અદભુત સ્વાદ મળશે!
મકાઈનું શાક રેસીપી ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે, તે ઘરે ઓછી સામગ્રીમાં જ બની જશે. આ વાનગી બાળકોથી લઇ વડીલો બધાની પ્રિય બની જશે! જાણો સરળ રેસીપી
મકાઈનું શાક રેસીપી
સામગ્રી
1 કપ મકાઈ દાણા
1 ચમચી માખણ
2 સૂકા કાશ્મીરી લાલ મરચા
1 તેજપટ્ટા
5-6 કળી લસણ
1 ટુકડો આદુ
1 સમારેલી ડુંગળી
1 ટામેટું
2-3 કાજુ
સ્વાદ મુજબ મીઠું
1/2 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચા પાવડર
1/2 ચમચી ગરમ મસાલા
1/2 ચમચી કસ્તુરી મેથી
સજાવટ માટે ક્રીમ
1 ચમચી ધાણાજીરું પાઉડર
મકાઈનું શાક બનાવવાની રીત
એક પેનમાં થોડું તેલ કે માખણ ગરમ કરો. તેમાં આદુ, લસણ, સમારેલી ડુંગળી, ટામેટું અને કાજુ ઉમેરો. એમાં ટામેટાં અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી 5 મિનિટ માટે સાંતળી લો.
ગેસ બંધ કરી મિશ્રણને ઠંડું થવા દો. ઠંડું થયા પછી તેને મિક્સર જારમાં લઈ થોડું પાણી ઉમેરીને એકદમ સ્મૂથ પેસ્ટબનાવી લો.
મકાઈના દાણાને પાણી અને ચપટી મીઠું ઉમેરીને 5 મિનિટ માટે બાફી લો અથવા કૂકરમાં એક સીટી વગાડી લો. પાણી નિતારીને બાજુ પર રાખો.
એક કઢાઈમાં 1 ચમચી બટર ગરમ કરો. બટર ઓગળે એટલે તેમાં તમાલપત્ર અને સૂકા કાશ્મીરી લાલ મરચાં ઉમેરી હળવો વઘાર કરો. હવે તૈયાર કરેલી ટામેટા-ડુંગળીની પેસ્ટ કઢાઈમાં ઉમેરો અને મિક્સ કરો.
ધીમા તાપે ગ્રેવીમાંથી માખણ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચાં પાવડર, ધાણા-જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
મસાલા બરાબર ભળી જાય એટલે તેમાં બાફેલા મકાઈના દાણા ઉમેરો. જરૂર મુજબ થોડું ગરમ પાણી ઉમેરી ગ્રેવી સેટ કરો.
કઢાઈ પર ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 5 મિનિટ માટે ચડવા દો જેથી મકાઈમાં મસાલાનો સ્વાદ ઉતરી જાય. છેલ્લે ગરમ મસાલો અને હાથથી મસળીને કસ્તૂરી મેથી ઉમેરો.
તૈયાર છે ગરમાગરમ ‘મકાઈનું શાક’! તેને બાઉલમાં કાઢી ઉપરથી ફ્રેશ ક્રીમ અને કોથમીરથી સજાવીને બટર નાન, રોટલી કે પરોઠા સાથે પીરસો.


