ઘરે જ બનાવો મેંદા અને કેમિકલ વગરની હેલ્ધી ચાપ, જાણો રેસીપી
શાકાહારી લોકો માટે સોયા ચાપ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. મલાઈ ચાપ, તંદૂરી ચાપ કે ગ્રેવી ચાપના શોખીનોની સંખ્યા પણ ઘણી મોટી છે. પરંતુ શું તમે જાણો છો કે જે ચાપને તમે હેલ્ધી સમજીને ખાઓ છો, તે વાસ્તવમાં તમારા શરીરને નુકસાન પહોંચાડી રહી છે? માર્કેટમાં મળતી સોયા ચાપમાં મેંદો અને કેમિકલ્સનું પ્રમાણ એટલું વધારે હોય છે કે તે પ્રોટીન આપવાને બદલે ચરબી અને સોડિયમમાં વધારો કરે છે.
- બજારની સોયા ચાપ કેમ છે જોખમી?
જાણીતા ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, માર્કેટમાં મળતી સોયા ચાપમાં ‘ક્લીન પ્રોટીન‘ હોતું જ નથી. તેને બનાવવા માટે મોટા પ્રમાણમાં મેંદો, રિફાઈન્ડ તેલ અને વધારાનું મીઠું વાપરવામાં આવે છે. આનાથી શરીરમાં રિફાઈન્ડ કાર્બ્સ અને સોડિયમ વધે છે, જે પાચનતંત્ર અને હૃદય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
- ઘરે જ બનાવો મેંદા વગરની હેલ્ધી સોયા ચાપ
જો તમે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જાળવવા માંગતા હોવ, તો ઘરે જ મેંદા કે કેમિકલ વગર સોયા ચાપ બનાવી શકો છો. અહીં તેની સરળ રીત આપી છે.
- સામગ્રી
સોયા બીન (પલાળેલા)
ઓટ્સ (દળેલા)
થોડો ચણાનો લોટ (બેસન)
મીઠું (સ્વાદાનુસાર)
આઈસ્ક્રીમ સ્ટિક
- બનાવવાની રીત
સૌ પ્રથમ સોયા બીનને પાણીમાં પલાળી દો. તે બરાબર ફૂલી જાય એટલે પાણી નિતારીને મિક્સરમાં તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. ધ્યાન રાખવું કે પેસ્ટ વધુ પડતી ભીની ન થાય. એક બાઉલમાં સોયા બીનની પેસ્ટ લો. હવે તેમાં ઝીણા દળેલા ઓટ્સ ઉમેરો. ઓટ્સ મેંદાનો શ્રેષ્ઠ અને હેલ્ધી વિકલ્પ છે. આ મિશ્રણમાં થોડો ચણાનો લોટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ઉપરથી થોડું તેલ લગાવી તેને થોડીવાર રહેવા દો. તૈયાર લોટને રોટલીની જેમ વણી લો અને તેની લાંબી પટ્ટીઓ કાપી તેને આઈસ્ક્રીમ સ્ટિક પર લપેટી લો. આ સ્ટિક્સને ઉકળતા પાણીમાં નાખીને બરાબર બાફી લો. બફાઈ જાય એટલે તરત જ તેને બરફવાળા ઠંડા પાણીમાં નાખી સેટ કરો. તમારી હોમમેડ હેલ્ધી સોયા ચાપ તૈયાર છે! આ રીતે બનાવેલી ચાપ સ્વાદિષ્ટ હોવાની સાથે શુદ્ધ પ્રોટીનથી ભરપૂર હોય છે.


