મેક ઇન ઇન્ડિયાનો દબદબો: સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડના ઐતિહાસિક સ્તરે
નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારત હવે માત્ર શસ્ત્રો ખરીદતો દેશ નથી રહ્યો, પરંતુ વિશ્વને શસ્ત્રો પૂરા પાડતું ‘ગ્લોબલ હબ’ બની રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આ વર્ષે સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી છે, જે પાછલા વર્ષના રૂ. 23,622 કરોડની સરખામણીએ 62.66 ટકાનો જંગી વધારો દર્શાવે છે.
આ સફળતાની ગાથામાં સરકારી સંરક્ષણ સાહસોએ અદભૂત કામગીરી કરી છે. સરકારી સાહસોમાં નિકાસમાં 151 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. તેમનું કુલ યોગદાન રૂ. 8,389 કરોડથી વધીને રૂ. 21,071 કરોડ થયું છે. જ્યારે ખાનગી કંપનીઓએ પણ 14 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 17,353 કરોડનું યોગદાન આપીને વૈશ્વિક બજારમાં ભારતની મજબૂત હાજરી નોંધાવી છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, “પીએમ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ભારત સંરક્ષણ નિકાસમાં નવી સફળતાની ગાથા લખી રહ્યું છે. ભારત હવે સંરક્ષણ સાધનો માટે વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.”
Under the inspiring leadership of PM Shri @narendramodi, India is scripting an impressive defence exports success story!
India defence exports have touched a new all time high with a record ₹38,424 crore in FY 2025-26. It marks a robust 62.66% growth over the previous fiscal.… pic.twitter.com/eAAh1PYX7e
— Rajnath Singh (@rajnathsingh) April 2, 2026
ભારત અત્યારે વિશ્વના 80 થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યું છે. ભારતીય નિકાસકારોની સંખ્યા 128 થી વધીને 145 થઈ ગઈ છે. તેમજ છેલ્લા પાંચ વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસમાં લગભગ ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ હેઠળ લેવાયેલા પગલાં આ વૃદ્ધિ માટે જવાબદાર છે. સંરક્ષણ ઉત્પાદન વિભાગે ઓનલાઈન પોર્ટલને અપગ્રેડ કર્યું છે અને નિકાસ માટેની ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ને સરળ બનાવી છે. આનાથી ભારતીય કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય ઓર્ડર મેળવવા અને તેને સમયસર પૂરા કરવા સરળ બન્યા છે.
એક સમયે વિશ્વના સૌથી મોટા શસ્ત્ર આયાતકાર ગણાતા ભારતની આ કાયાપલટ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનની સફળતા દર્શાવે છે. જે રીતે સંરક્ષણ નિકાસના આંકડા વધી રહ્યા છે, તે જોતા ભારત આગામી વર્ષોમાં વિશ્વના ટોચના પાંચ સંરક્ષણ નિકાસકારોમાં સ્થાન મેળવે તેવી પૂરી શક્યતા છે.
આ પણ વાંચોઃ ISI ભારતીય સુરક્ષા અને અર્થતંત્રને નુકસાન પહોંચાડવા મોટાપાયે સાયબર હુમલા કરે તેવી ભિતી, IB નું એલર્ટ


