ઘરે જ બનાવો આ 4 પ્રકારની સ્વાદિષ્ટ કચોરી, જાણો સરળ રેસિપી
જ્યારે ઘરે અચાનક મહેમાનો આવે અથવા પરિવારના સભ્યો કંઈક ખાસ ખાવાની ઈચ્છા વ્યક્ત કરે, ત્યારે ઘણીવાર આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ કે એવું શું બનાવવું જે દરેકને પસંદ આવે. આવા સમયે ગરમાગરમ અને કડક ‘કચોરી’ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કચોરીની કેટલીક લોકપ્રિય અને સ્વાદિષ્ટ વેરાયટીઓ, જે તમે મિનિટોમાં તૈયાર કરી શકો છો.
મગની દાળની કચોરી
સવારના નાસ્તા માટે મગની દાળની કચોરી સદાબહાર પસંદ છે. આ કચોરીને બનાવવા માટે મગની દાળને 2-3 કલાક પલાળી રાખ્યા બાદ તેને કરકરી પીસી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી જીરું અને વરિયાળીનો વઘાર કરો. ત્યારબાદ તેમાં પીસેલી દાળ, મીઠું, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી બરાબર શેકી લો. હવે મેંદાના લોટની કણક બાંધી, તેની લૂઈ બનાવી દાળનું મિશ્રણ ભરો અને ધીમી આંચ પર તળી લો.
વટાણાની કચોરી
શિયાળાની સિઝન હોય કે મહેમાનોનું સ્વાગત, વટાણાની કચોરી હંમેશા હિટ રહે છે. આ કચોરી બનાવવા માટે સૌ પ્રથમ લીલા વટાણાને સહેજ અધકચરા પીસી લો. કડાઈમાં તેલ મૂકી જીરું, આદુ અને મરચાની પેસ્ટ સાંતળો. હવે તેમાં વટાણા અને મસાલા ઉમેરી થોડી મિનિટો સુધી ચઢવા દો. મેંદાના લોટમાં આ મિશ્રણ ભરીને ગોળ કચોરી વાળી તેલમાં તળી લો.
બટાકાની કચોરી
જો તમને કંઈક ચટાકેદાર ખાવાનું મન હોય, તો આલૂ કચોરી બેસ્ટ છે. આ માટે બાફેલા બટાકાને મેશ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરી જીરું અને લીલા મરચાં ઉમેરો. હવે તેમાં મેશ કરેલા બટાકા, મીઠું, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી પૂરણ તૈયાર કરો. મેંદાની લૂઈમાં આ પૂરણ ભરીને તેને કચોરીનો આકાર આપી ગરમ તેલમાં તળી લો.
સત્તુની કચોરી
બિહારની ફેમસ સત્તુની કચોરી હવે ગુજરાતમાં પણ લોકપ્રિય બની રહી છે. તે સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે. સત્તુના લોટમાં મીઠું, લીલા મરચાં, બારીક સમારેલી ડુંગળી, અથાણાનો મસાલો અને થોડું સરસવનું તેલ ઉમેરો. થોડું પાણી છાંટીને મિશ્રણ તૈયાર કરો. આ કચોરી માટે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકાય છે. લોટની લૂઈમાં સત્તુ ભરો અને તેલમાં તળીને સર્વ કરો.


