જુનાગઢ, 3 મે 2026: Two killed as pilgrims’ private luxury bus overturns જિલ્લાના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી લકઝરી બસ પલટી ખાતા બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા અનેક યાત્રાળુઓને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતની વિગત એવી છે કે, ભાવનગરથી ખાનગી લકઝરી બસમાં 40થી વધુ યાત્રાળુઓ ધાર્મિક પ્રવાસે નિકળ્યા હતા. યાત્રાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને દેવભૂમિ જવા નીકળ્યા હતા, લકઝરી બસ રઈજ ગામ પાસે પહોંચતા રસ્તા વચ્ચે રોઝડું (નીલગાય) આવી જતા તેને બચાવવા જતા બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. બસ પલટી મારતા જ યાત્રાળુઓમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતને પગલે હાઈ-વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેન દ્વારા બસને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકોના પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. સોમનાથ-દ્વારકાની ધાર્મિક યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આ સફર અંતિમ સફર સાબિત થતા ભાવનગર અને માંગરોળ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


