Site icon Revoi.in

બંગાળને મમતા બેનર્જી બાંગ્લાદેશ બનાવવા માંગે છેઃ ભાજપાનો આરોપ

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ થયેલી હિંસા અંગે ભારતીય જનતા પાર્ટી (BJP) એ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે તેઓ બંગાળને “બીજું બાંગ્લાદેશ” બનાવવા માંગે છે.

મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “મમતા બેનર્જીને સત્તામાં રાખવાની બંગાળ ભારે કિંમત ચૂકવી રહ્યું છે. તે રાજ્યને બીજું બાંગ્લાદેશ બનાવવા માંગે છે.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વક્ફ કાયદાના વિરોધ દરમિયાન મુર્શિદાબાદમાં હિંસા ફાટી નીકળી હતી. ભાજપનું કહેવું છે કે મમતા સરકારની તુષ્ટિકરણની રાજનીતિને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે.

મુર્શિદાબાદ હિંસા માટે વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્ય પોલીસ અને મંત્રીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ આ હિંસક પદ્ધતિ બિલકુલ ખોટી છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું, “જો કોઈ વિરોધ કરવા માંગે છે તો તેણે શાંતિપૂર્ણ રીતે કરવો જોઈએ, પરંતુ મુર્શિદાબાદમાં જે કંઈ થયું તે યોગ્ય નથી.”

મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “તુષ્ટિકરણની રાજનીતિને કારણે બંગાળમાં જંગલ રાજ સ્થાપિત થયું છે. અહીં પોલીસ કાર્યવાહી કરતી નથી, જ્યારે અન્ય રાજ્યોમાં કાયદા હેઠળ કડક પગલાં લેવામાં આવે છે.” સુવેન્દુ અધિકારી કહે છે કે કેટલાક લોકો બંગાળમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેમને અન્ય રાજ્યોમાં આવું કરવાની તક મળી રહી નથી.