
માનવતા મહેકીઃ સુરતમાં પૂર્વ મેયરે કોરોના પીડિત 11 દિવસની બાળકીને પ્લાઝમા ડોનેટ કર્યા
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. બાળકો પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. બીજી તરફ સરકારની સાથે સામાજીક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો કોરોના પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનોની મદદ માટે આગળ આવી છે. દરમિયાન સુરતમાં કોરોના સામે લડી રહેલી 11 દિવસની બાળકીને પ્લાઝમા ડોનેટ કરીને પૂર્વ મેયર અને ગુજરાત ભાજપના દક્ષિણ ઝોનના પ્રવક્તા ડો. જગદીશ પેટેલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. તેમજ તેમણે કોરોના મુક્ત થયેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન ડાયમંડ હોસ્પિટલમાં કોરોના સારવાર લઈ રહેલી 11 દિવસની બાળકીને પ્લાઝમાની જરૂર પડી છે. બાળકીને પ્લાઝમાની જરૂર હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ અંગેની જાણ થતા જ શહેરના પૂર્વ મેયર જગદીશ પટેલે બાળકીની સારવારમાં મદદ કરવા તૈયારી દર્શાવી હતી. તેમજ તેમણે બાળકીના બ્લડ સેમ્પલ અને પોતાના બ્લડ સેમ્પલ મેચ કરાવ્યાં હતા. બાળકીના બ્લટ સેમ્પલ તેમની સાથે મેચ થઈ થઈ જતા તેમણે પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર થઈ ગયા હતા. સ્મીમેર હોસ્પિટલ પહોંચી બાળક માટે પ્લાઝમા ડોનેટ કર્યા હતાં.
ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનામુક્ત થયેલા લોકો પોતાના પ્લાઝમા દાન જેટલું વધુ કરશે તેટલા જ ગંભીર દર્દીઓની સારવારમાં ઉપયોગી થઈ શકે છે. માટે દરેક લોકો આ મહામારીમાં આગળ આવવું જોઈએ.