નવસારી, 19 જાન્યુઆરી 2026: દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણને લીધે આંબાઓ પર બેઠેલા મોર કાળા પડી રહ્યા છે. તેને લીધે કેસર કેરીના ઉત્પાદનમાં ફટકો પડે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે પણ લાંબા ચોમાસા બાદ હવે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને નવસારીના આંબાવાડીઓ ધરાવતા ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. તાપમાન અને ભેજમાં જોવા મળતા અસંતુલનને કારણે આંબાવાડીઓમાં મંજરીઓ (મોર) કાળી પડીને ખરવા લાગી છે, જેનાથી આ વર્ષે કેરીના ઉત્પાદન પર જોખમ તોળાઈ રહ્યું છે.
નવસારી પંથકમાં હાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. દિવસે તાપમાનનો પારો 32-33 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જ્યારે રાત્રિના સમયે તે ગગડીને 13થી 14 ડિગ્રીએ પહોંચે છે. દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો આ 18 ડિગ્રી જેટલો મોટો તફાવત આંબાના ઝાડ માટે ‘સ્ટ્રેસ’ (તણાવ) ઊભો કરે છે. આ પરિસ્થિતિને કારણે આંબા પર લાગેલી મંજરીઓ અને જુવારના દાણા જેવડી કેરીઓ ખરવાની શરૂઆત થઈ છે.
નવસારી જિલ્લામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 40 ટકાથી 80 ટકાની વચ્ચે રહે છે. રાત્રે વધુ ભેજ અને સવારે પડતા ઝાંકળ કે ધુમ્મસને કારણે ભૂકીછારો અને એન્થ્રેકનોઝ જેવા ફૂગજન્ય રોગોનો વ્યાપ વધ્યો છે. કેરીના પાક માટે દુશ્મન ગણાતા હોપર્સ (મધિયો/દિઘા) અને ડેગા જેવી જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. કુદરતી ફ્લાવરિંગ લાવવામાં નિષ્ફળતા મળતા ખેડૂતોએ ‘કલતાર’નો સહારો લીધો હતો, પરંતુ હવે પાક બચાવવા મોંઘી દવાઓના વધારાના છંટકાવ કરવા પડી રહ્યા છે.
આંબાવાડીઓ ધરાવતા ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદન પર ફટકો પડે તેવી શક્યતા છે, આમ્રમંજરી બચાવવા અત્યારે દવા છાંટવી પડી રહી છે અને બાદમાં ફળ બચાવવા પણ મોટો ખર્ચ થશે. આવક સામે જાવક વધતા આર્થિક ગણતરીઓ ઊંધી પડી રહી છે. સતત મોનિટરિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી દવાનો છંટકાવ જ હવે ખેડૂતોનો એકમાત્ર સહારો બચ્યો છે.

