Site icon Revoi.in

નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતના અનેક પ્રવાસીઓ ફસાતા સરકાર પાસે મદદ માગી

Social Share

અમદાવાદઃ નેપાળમાં સત્તાપરિવર્તન બાદ પણ અરાજકતાભરી સ્થિતિ છે. ત્યારે નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતના 300 જેટલાં પ્રવાસીઓ ફસાયા હોવાનું કહેવાય છે. વાહન-વ્યવહાર ઠપ્પ થયેલો છે. ત્યારે તમામ ગુજરાતીઓને હાલ હોટલ, વૃદ્ધાશ્રમ સહિતની જગ્યાઓ પર સિક્યોરિટી સાથે સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગરના નારી ગામના 43 યાત્રિકોએ એક હોટલમાં સમય વિતાવી રહ્યા છે. નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે તમામ લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બનતાં તેઓ પોખરાની એક હોટલમાં પુરાયા છે.

ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓએ નેપાળથી એક વીડિયો બનાવી સરકાર પાસે મદદ માગી છે. સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહને આ માહિતી મળતાં તેમણે તમામ ફસાયેલા લોકોના સમાચાર મેળવી તાત્કાલિક ધારાસભ્ય જિતુ વાઘાણીને આ અંગે જાણ કરી હતી. જિતુ વાઘાણીએ  ફસાયેલા લોકો સાથે ફોન પર વાત કરી અને સૌને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી છે.

અમદાવાદ જિલ્લાના કોઇપણ નાગરિકો હાલ નેપાળના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેમના સ્વજનો દ્વારા તુરંત હેલ્પલાઈન નંબર પર કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નેપાળના કાઠમંડુ ખાતે ફસાયેલા ભારતીય પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે અંદાજે 90 જેટલા ગુજરાતી પ્રવાસીઓ નેપાળમાં ફસાઇ ગયા છે, જેમાં 43 પ્રવાસી તો ભાવનગરના નારી ગામના જ હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના નારી ગામના 43 પ્રવાસી નેપાળ દેવ દર્શનાર્થે 29 ઓગસ્ટના રોજ ટૂર એન્ડ ટ્રાવેલ્સથી રવાના થયા હતા. આ 43 લોકોમાં બસ-ડ્રાઈવરથી લઈને રસોઈયા સહિતનો સમાવેશ થાય છે. આ લોકો બિહારથી જનકપુર, ત્યાંથી કાઠમંડુ પહોંચ્યા હતા અને ત્યાર બાદ પોખરા પહોંચ્યા હતા.

નેપાળમાં એકાએક હિંસા ફાટી નીકળતાં નારી ગામના આ 43 પ્રવાસી અટવાઇ ગયા છે, જોકે તેમની સાથે ભાવનગરના ધારાસભ્ય જિતુ વાઘાણી અને નગરસેવક ઉપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાત્રે ટેલિફોનિક સંપર્ક કરતાં આ તમામ પ્રવાસીઓ હાલ નેપાળના પોખરા ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યએ તેમને સુરક્ષિત બહાર કાઢવા અને ભારત પરત લાવવા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી અને ભારત સરકારમાં જાણ કરી હતી. દરમિયાન ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ આ પ્રવાસીઓના સતત સંપર્કમાં છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સાધ્યો હતો.