Site icon Revoi.in

સુરતમાં પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રૂપિયા 12 લાખનો ગાંજો પકડાયો

Social Share

સુરત, 23 માર્ચ 2026: Marijuana seized શહેરમાં એરપોર્ટથી ગાંજો પકડાયા બાદ પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂપિયા 12 લાખની કિંતમનો ગાંજો પકડાયો છે. પોલીસની એસ.ઓ.જી. અને એન.ડી.પી.એસ. ડેડીકેટેડ ટીમ દ્વારા ટ્રેનના એક કોચમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક થેલો મળી આવ્યો હતો. જેમાં ગાંજો ભરેલો હતો. આરોપી પોલીસને જોઈને થેલો છોડીને નાસી ગયો હતો. આ અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) અને 20(બી-ii)સી મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન.રાવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન 21 માર્ચના રોજ વહેલી સવારે ટ્રેન નં. 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસમાં એસ.ઓ.જી. અને એન.ડી.પી.એસ. ડેડીકેટેડ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે આ ટ્રેન રાત્રે 02:19 વાગે નિયોલ રેલવે સ્ટેશન પાસે પહોંચી, ત્યારે પોલીસ ટીમને રિઝર્વેશન કોચ નં. S/6 અને જનરલ કોચની વચ્ચેથી એક બેકપેક અને એક વિમલનો થેલો મળી આવ્યો હતો. આ ઉપરાંત, કોચ નં. A/1 અને પાછળના જનરલ કોચના કોરીડોર વચ્ચેથી પણ એક અન્ય બેકપેક મળી આવ્યું હતું. આ થેલાઓની તપાસ કરતા તેમાંથી કુલ 23.895 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 11,94,750 જેટલી થાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ અજાણ્યો ઈસમ આ માદક પદાર્થનો જથ્થો આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે લાવ્યો હતો, પરંતુ પોલીસ ચેકિંગના ડરથી તે આ જથ્થો બિનવારસી હાલતમાં મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કરશનભાઈ દ્વારા ફરિયાદ નોંધાવતા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) અને 20(બી-ii)સી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Exit mobile version