Site icon Revoi.in

ગાંધીનગરના ન્યુ વાવોલમાં ભંગારના ગોદામમાં લાગી ભીષણ આગ

Social Share

ગાંધીનગર, 8 એપ્રિલ 2026: શહેરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે અચાનક આગ ફાટી નિકળતા અફડા-તફડી મચી ગઈ હતી. ભંગારના ગોદામમાં જ્વલનશીલ કચરાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલા ભંગારના ગોદામમાં આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. અને ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. ભંગારના ગોદામમાં  પ્લાસ્ટિક, ટાયર અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગના ધુમાડાના ગોટા દૂર સુધી આકાશમાં દેખાયા હતા. ગાંધીનગર ફાયર સ્ટેશનની ત્રણથી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જોકે, ભંગારના જથ્થાના અંદરના ભાગમાં આગ હોવાથી ફાયર કર્મીઓને તેને સંપૂર્ણપણે ઓલવવામાં ભારે જહેમત ઉટાવી પડી હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનો ભંગાર બળીને ખાક થઈ ગયો હતો. તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરાયો હતો.

પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા અને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.

Exit mobile version