Site icon Revoi.in

મેચ ફિક્સિંગનું ભૂત ફરી ધૂણ્યું, દક્ષિણ આફ્રિકામાં 3 ક્રિકેટરોની ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનું ભૂત ધુણ્યું છે. મેચ ફિક્સિંગના કેસમાં સાઉથ આફ્રિકા ક્રિકેટના 3 ખેલાડીઓને ઝડપી લેવામાં આવ્યું છે. આ ત્રણેય સામે વર્ષ 20215-16માં રમાયેલી રેમસ્લેમ ચેલેન્જ ટૂર્નામેન્ટની મેચ ફિક્સ કરવાનો આરોપ લાગ્યાં છે. મેચ ફિક્સિંગના કેસમાં 3 ખેલાડીઓની ધરપકડથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર DPCI ના ગંભીર ભ્રષ્ટાચાર તપાસ એકમ દ્વારા થામી સોલેકિલ, લોનાવો સોટોબે અને અથી મ્બાલતીની ધરપકડ કરવામાં આવી હતી. આ તપાસ 2016માં વ્હિસલબ્લોઅર દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટ પર આધારિત હતી. ગુલામ બોદીની શંકાસ્પદ પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવ્યા બાદ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. થામી સોલેકિલ અને લોનાવો ત્સોટોબેને ભ્રષ્ટાચાર નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, 2004 (PRECCA) હેઠળ પાંચ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બંને ખેલાડીઓ 29 નવેમ્બર 2024ના રોજ પ્રિટોરિયામાં સ્પેશિયલાઇઝ્ડ કોમર્શિયલ ક્રાઇમ કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં કેસની આગામી સુનાવણી 26 ફેબ્રુઆરી 2025ના રોજ નક્કી કરવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું છે કે ગુલામ બોદીએ ઘણા ખેલાડીઓનો સંપર્ક કરીને ત્રણ ડોમેસ્ટિક T20 મેચોના પરિણામોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે ભારતીય બુકીઓ સાથે આ ષડયંત્રનો ભાગ હતો. બોદીની 2018માં ધરપકડ કરવામાં આવી હતી અને 2019માં તેને આઠ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ત્રણ ખેલાડીઓમાંથી માત્ર લોનાવો સોટોબે જ દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમનો ભાગ છે. તેણે 5 ટેસ્ટ, 61 ODI અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2014 T20 વર્લ્ડ કપમાં હતી. જ્યારે, થમી સોલેકિલ અને અથી મ્બાલતીની કારકિર્દી ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટ સુધી મર્યાદિત હતી.

Exit mobile version