ભાવનગર, 6 મે 2026: Mazdoor Sangh’s representation against exploitation of outsourcing employees ગુજરાતમાં સરકારી કચેરીઓમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં ભારતીય મઝદૂર સંઘ દ્વારા ભાવનગર અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓને પૂરતું વેતન ન મળવું, કામના વધુ કલાકો અને PF-ESI જેવા મૂળભૂત લાભોથી વંચિત રાખવા જેવા મુદ્દે સંઘે સરકારનું ધ્યાન દોર્યું છે. અને નવો લેબર લો લાગુ કરવાની માગ કરી હતી. રાજ્યમાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે.
અમદાવાદ ખાતે થોડા દિવસ પહેલા મળેલી ભારતીય મઝદૂર સંઘની પ્રદેશ કારોબારીના નિર્ણય અનુસાર રાજ્યના તમામ જિલ્લા મથકોએ આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું. આ અંતર્ગત ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા મઝદૂર સંઘના હોદ્દેદારોએ જણાવ્યું કે, કર્મચારીઓ પાસે 12 કલાક કામ કરાવીને માત્ર 8 કલાકનો જ પગાર આપવામાં આવે છે. લઘુતમ વેતન ધારા મુજબ પગાર મળતો નથી, તેમજ ESI, PF, ગ્રેચ્યુટી અને મેડિકલ સહાય જેવા હક્કોથી કર્મચારીઓને વંચિત રાખવામાં આવે છે. એપ્રિલ 2026થી અમલી બનેલા ચાર નવા લેબર કોડની તાત્કાલિક અને અસરકારક અમલવારી કરવામાં આવે જેથી દરેક કર્મચારીને કાયદેસરના લાભ મળી શકે.
ભારતીય મઝદૂર સંઘના જિલ્લા અધ્યક્ષ રાજુભાઈ મંડલીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં હજીરા અને નોઈડા ખાતે કામદારોના શોષણને કારણે ૨૦ થી ૨૫ હજાર કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોટી અશાંતિ સર્જાઈ હતી. ગુજરાતમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને કામદારોમાં વ્યાપેલો અસંતોષ હિંસક રૂપ ન લે, તે માટે સરકારે આ મામલે વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવો જરૂરી છે.

