Site icon Revoi.in

દહેગામના બહિયાલમાં તોફાનકાંડ બાદ 190 મકાનોના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

Social Share

ગાંધીનગરઃ  જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં આજે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. નવરાત્રીના ત્રીજા દિવસે રાતના સમયે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવાના મુદ્દે કોમી તોફાનો થયા હતા.અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના અને પથ્થરમારાનો બનાવ બન્યો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તાફાની તત્વોને પકડીને કાયદાનું ભાન કરાવ્યુ હતું. ત્યારબાદ આજે પોલીસના સઘન બંદોબસ્ત સાથે આજે સવારથી બહિયલ ગામે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચાં-પાકાં દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દહેગામ તાલુકાના બહિયલ ગામે તોફાનકાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યુ છે. તોફાની તત્ત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગીય દહેગામ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના પેટા વિભાગ (સ્ટેટ) સમક્ષ બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. પુરાવાના અભાવે, આજે ગુરુવાર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કુલ 190 દબાણમાંથી રાયપુર ઘમીજ કરોલી રોડ પર 135 દબાણ અને હાથીજણથી બહિયલ રોડ પર 51 દબાણને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. નોટિસ મળતાંની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમણે પોતાનો માલસામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ બહિયલ ગામે હિંસક તોફાનની ઘટના બનતાંની સાથે જ પોલીસતંત્ર સક્રિય બની ગયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં 66થી વધુ શંકાસ્પદ તોફાની તત્વોની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસતંત્ર દ્વારા તોફાની તત્ત્વો પર કાયદાનો ગાળિયો કસવામાં આવી રહ્યો છે.

બહિયલ ગામમાં દબાણ હટાવવા માટે મેગા ઓપરેશન પહેલા જ મહિલા સરપંચ અફસાનાબાનુ સજ્જાદહુસૈન ચૌહાણે ‘અગમ્ય કારણોસર’ સરપંચપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યું હતું. સરપંચના આ અચાનક નિર્ણયથી ગામ આગેવાન વિનાની નોધારી સ્થિતિમાં મુકાઈ ગયું છે અને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.