Site icon Revoi.in

મોરબીમાં ઈન્કમટેક્સના અધિકારીઓનું મેગા સર્ચ, 40 સ્થળોએ રેડ, ઉદ્યોગકારોમાં ફફડાટ

Social Share

રાજકોટઃ મોરબીમાં ઈન્કટેક્સના 250 જેટલા અધિકારીઓએ બિલ્ડરો, જમીન દલાલો અને સિરામિકના ઉદ્યોકારો સહિત 40 જેટલા સ્થળોએ રેડ પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આઈટીની સર્ચ દરમિયાન મોટાપાયે બેનામી વ્યવહારો પકડાયા હોવાનું કહેવાય છે.

રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 250થી વધુ અધિકારીઓની ટીમોએ આજે વહેલી સવારથી મોરબીના મોટા ગજાના જમીનના ધંધાર્થી પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવીસ સીરામીકના જીતુભાઈ રોજવાડીયા ગ્રુપ સહિત ભાગીદારો મળી 40 જેટલા સ્થળો પર રેડ પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આઈટીની રેડ માટે સુરતથી આવતી ટીમની કારનો મોડી રાત્રે અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 અધિકારીઓ અને કર્મચારીઓને નાની-નોટી ઇજા પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી પહેલા રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કરચોરોમાં ફફડાટ ફેલાય ગયો છે. મોરબીમાં લેવિસ સીરામીક ગ્રુપ સહિત તેની સંકળાયેલા તેના ભાગીદારો મળી 40 જેટલા સ્થળોએ આજ સવારથી દરોડાની કામગીરી શરૂ થઈ છે. રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગની ટીમ ગઈકાલ સાંજથી ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ હતી. મોરબીનાં આ સીરામીક ગ્રુપને ત્યાં વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ઘરીને તેમને ઉંઘતા ઝડપી પાડ્યા હતા. ફેક્ટરી, ઘર, ઓફિસ સહિતની પ્રીમાઇસીસ પર તપાસ ચાલી રહી છે. આજે પ્રથમ દિવસે સિરામિક ગ્રૂપના હિસાબો અને ડેટા શોધી રહ્યું છે.

મોરબીમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા માટે જુદા જુદા શહેરોમાંથી આઈટીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં સુરતથી આવતી ટીમને મોડી રાત્રે અમદાવાદ-મોરબી હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ કારમાં સવાર ચાર અધિકારીઓ અને કર્મચારીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર આપી સુરત પરત મોકલી દેવામાં આવ્યા હતા.

સૂત્રોના કહેવા મુજબ રાજકોટ આઈટીની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા કોટન, સિરામિક, કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટા માથાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. રાજકોટના મેટ્રો ગ્રુપ તથા મિલેનિયમ પર તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટમાં પાંચથી વધુ સ્થળો પર તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મેટ્રો કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા કોટનના બે ભાગીદારો તથા રિયલ એસ્ટેટ ગ્રુપના ડાયરેક્ટરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તપાસમાં IT વિભાગના રાજકોટની સાથે, અમદાવાદ, વડોદરા, સુરતના ટોચના અધિકારીઓ જોડાયા છે.

Exit mobile version