અમદાવાદ, 24 માર્ચ 2026: Weather forecasters predicted unseasonal rain from March 28th ગુજરાતમાં ગઈ તા. 19મી માર્ચથી ત્રણ દિવસ વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને સારૂએવું નુકસાન થયું છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ ચોખ્ખુ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યના હવામાન વિભાગે તાપમાનમાં વધીરો થવાની શક્યતા વ્યક્ત કરી છે અને આગામી એક સપ્તાહ એટલે 30મી માર્ચ સુધી આકાશ સ્વચ્છ રહેશે અને કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી તેવી આગાહી કરી છે. જ્યારે હવામાનના જાણકાર ખાનગી આગાહીકારોએ એવી આગાહી કરી છે. કે તા. 28મી માર્ચથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
હવામાનના આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહેવા મુજબ તાજેતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠુ પડ્યું હતું, તેવી જ રીતે ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. તેની અસર આગામી તા. 28, 29 અને 30 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ અસર થવાની શક્યતા છે. આ માવઠું છુટાછવાયા વિસ્તારોમાં હશે, પરંતુ ગાજવીજ અને પવન સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પ્રબળ શક્યતા છે. જ્યારે હવામાનકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ 26 માર્ચ બાદ માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં મોટું પરિવર્તન આવવાની શક્યતા છે. ટ્રફ લાઇન ગુજરાત સુધી લંબાવાને કારણે 28 થી 30 માર્ચ દરમિયાન રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
જ્યારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. તાપમાનમાં વધારો થતા રાજ્યમાં ગરમીમાં પણ વધારો નોંધાશે. અત્યારે પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, પરંતુ તેની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશે. ઉત્તર પશ્ચિમથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

