Site icon Revoi.in

ધારી-જુનાગઢ-સોમનાથ વચ્ચે મીટરગેજ ટ્રેન 22 ફેબ્રુઆરીથી દોડશે

Social Share

અમરેલી,13 ફેબ્રુઆરી 2026:  વર્ષો પહેલા નેરોગેજ ટ્રેનો હતી ત્યારબાદ મીટરગેજ ટ્રેનો દોડતી થઈ, હવે તો દેશભરમાં બ્રોડગેડ લાઈનો જ છે. પણ કેટલાક સ્થળોએ દેશી રજવાડા વખતની મીટરગેજ લાઈનો જર્જરિત અવસ્થામાં પડેલી છે. આવી મીટરગેજ લાઈનો પર ટ્રેનો દોડાવવામાં આવે તો અંતરિયાળ વિસ્તારના લોકો માટે પણ ઉપયોગી બની શકે તેમ છે. ત્યારે રજવાડાના સમયની યાદ અપાવતી ધારીથી જૂનાગઢ-વેરાવળ-સોમનાથ રૂટ પર ફરી મીટરગેજ ટ્રેન દોડવાશે. સવા વર્ષથી બંધ કરાયેલી આ રેલવે સેવા પુન: શરૂ કરાશે.આ મીટરગેજ રૂટ પર એન્જીનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આગામી તા. 22 ફેબ્રુઆરીથી આ રૂટ પર ફરી મીટર ગેજ ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા છે.

સૂત્રોના કહેવા મુજબ ધારીથી જૂનાગઢ, તાલાળા, સાસણ, દેલવાડા અને વેરાવળ સુધીની મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદરૂપ મીટરગેજ રેલવે સેવા એક સવા વર્ષથી બંધ હતી. અમરેલી રેલવે સ્ટેશન ખાતે બ્રોડગેજ રૂપાંતરણની કામગીરી અને સ્ટેશન સ્તરે કરાયેલા ફેરફારોના કારણે આ ટ્રેન સેવા સંપૂર્ણપણે બંધ કરવી પડી હતી. અમરેલીના સાંસદ ભરત સુતરિયાના સતત પ્રયાસો અને રેલવે વિભાગ સાથેની બેઠક બાદ આ મીટરગેજ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  બ્રોડગેજનું કામ પૂર્ણ થયા બાદ વેરાવળથી અમરેલી સુધીની બ્રોડગેજ સેવા કાર્યરત થઈ હતી, પરંતુ મીટરગેજ રૂટ પર ચાલતી લોકપ્રિય ટ્રેન બંધ રહેતા ધારી, વિસાવદર, તાલાળા, સાસણ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

મીટરગેજ ટ્રેન સેવા ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ માટે ખૂબ ઉપયોગી હતી. ઓછી કિંમતે મુસાફરો જૂનાગઢ, વેરાવળ, સોમનાથ તથા સાસણ ગીર સુધી મુસાફરી કરતા હતા. વેપારીઓ, વિદ્યાર્થીઓ, મજૂરો અને ધાર્મિક યાત્રાળુઓ માટે આ ટ્રેન જીવનરેખા સમાન હતી. સેવા બંધ થતા લોકો રોડ પરિવહન પર નિર્ભર બન્યા હતા, જેના કારણે ખર્ચમાં વધારો થયો હતો. હવે 22મી ફેબ્રુઆરીથી મીટરગેજ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેતા લોકોને રાહત થઈ છે.

Exit mobile version