Site icon Revoi.in

મેટ્રોના વસ્ત્રાલથી થલતેજ રૂટ પર ટેકનિકલ ફોલ્ટ સર્જાતા મેટ્રો ટ્રેન વ્યવહાર ઠપ

Social Share

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટની સેવા ટેક્નિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે બંધ કરવામાં આવી છે. થલતેજથી વસ્ત્રાલ તરફ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ સવારથી બંધ થઈ જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માઈક મારફતે મુસાફરોને જાહેરાત કરવામાં આવી છે કે ટેક્નિકલ ફોલ્ટના કારણે થલતેજ ગામવાળો રૂટ બંધ રહેશે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે. મેટ્રો રેલ લાઈનમાં ટેકનીકલ ફોલ્ટ અંગે તપાસ કરતા એવી હકિકત જાણવા મળી હતી કે, શાહપુરથી જુની હાઈકોર્ટે વિસ્તારમાં કેબલની ચોરી થતા વીજ પુરવઠાને વિક્ષેપ થતાં મેટ્રો સેવાને અસર પહોચી છે. આ મામલે પોલીસે પણ તપાસ હાથધરી છે, ગઈ મોડી રાત્રે કેબલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ શાહપુરથી જુની હાઈકોર્ટ વિસ્તારમાં મેટ્રોના કેબલની ચોરી થઈ છે, મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતા કેબલોની ચોરી થઈ છે, એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો હાલ બંધ કરાઈ છે પરંતુ મેટ્રો વિભાગ દ્વારા આ બાબતે હજી કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં નોકરીએ જનારા લોકોને મેટ્રો ટ્રેનમાં જવાના બદલે બસ અથવા રિક્ષામાં ખાનગી વાહનો કરી અને જવાનો વારો આવ્યો હતો.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સત્તધિશોએ મેટ્રો ટ્રેન વ્યવહાર કેમ બંધ છે તે અંગે કોઈ જવાબ ન આપતા પ્રવાસીએ રોષે ભરાયા હતા. વહેલી સવારથી જ મેટ્રો ટ્રેનનો રૂટ બંધ હોવા છતાં પણ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે લોકો ખૂબ જ હેરાન થયા હતા. મેટ્રો લાઈનના કેબલની ચોરી થતાં વીજ વિક્ષેપને લીધે થલતેજ ગામવાળો મેટ્રોનો રૂટ બંધ કરાની ફરજ પડી હતી. મેટ્રો રેલ કોર્પોરેશન સિક્યુરિટી પાછળ મોટો ખર્ચ કરે છે. છતાંયે કેબલચારીનો બનાવ બન્યો છે.