Site icon Revoi.in

સુરતમાંથી પરપ્રાંતિઓ હાળી-ધૂળેટીનાતહેવારોને લીધે માદરે વતન જવા રવાના

Social Share

સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત વિવિધ ઉદ્યોગોમાં પરપ્રાતિ શ્રમિકોની સંખ્યા વધુ છે. પરપ્રાંતના શ્રમિકો હોળી-ધૂળેટીના તહેવારોમાં માદરે વતન જતા હોય છે. હોળી-ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શ્રમિકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે, શહેરના ઉધના રેલવે સ્ટેશન પર હૈયેહૈયું દળાય એવી ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે.

સુરત શહેરમાં વસવાટ કરતા યુપી-બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે. આ જ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે પરંતુ, મુશ્કેલી માત્ર ભીડની નથી. સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાના અભાવની છે. જે ઉધના રેલવે સ્ટેશન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હોળીનો તહેવાર મનાવવા માટે પોતાના વતન જવા ઉત્સાહિત શ્રમિકો અને અન્ય મુસાફરો રાતભર ટ્રેનની રાહ જુએ છે. લાંબી કતારમાં ઊભા રહે છે અને જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે ભારે ભીડના કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે. મહત્વની વાત એ છે કે, સુરત રેલવે સ્ટેશન પર રી-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી 100થી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે.જેના લીધે ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે.

ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે. એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછાં છે, પ્લેટફોર્મ પર પૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. જ્યારે ટ્રેન આવે ત્યારે પ્રવાસીઓ દોડાદોડી કરતા હોવાથી ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે. રેલવે પોલીસ પણ નિષ્ક્રિય છે. ટ્રેનના કોચમાંથી ઉતરવા માટે પણ પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.