
ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો એક્શન પ્લાન બનાવે : જગદીશ વિશ્વકર્મા
ગાંધીનગર: ગુજરાતમાં દૂધની ડિમાન્ડ એન્ડ સપ્લાયને ધ્યાને રાખીને દૂધ સંઘો આગામી ૨૫ વર્ષનો પોતાનો એક્શન પ્લાન બનાવે તે સમયની માંગ છે. ગુજરાતના દૂધ સંઘોને પડતી વિવિધ મુશ્કેલીઓના હકારાત્મક ઉકેલ તેમજ ડેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ આજે ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના દૂધ સંઘોના ચેરમેન અને M.D. સાથે યોજાયેલી બેઠકમાં અધ્યક્ષસ્થાને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે ગુજરાતના છેવાડાના તમામ નગારિકોને વધુમાં વધુ શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સસ્તું દૂધ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આગામી ૫૦ વર્ષની સ્થિતિ તેમજ દૂધની માંગને કેન્દ્ર સ્થાને રાખી ડેરીઓ-દૂધ સંઘો ૨૫ વર્ષનો એક્શન પ્લાન બનાવશે તો આપણે ભવિષ્યમાં દૂધ અને તેના ઉત્પાદનોની નિકાસ કરી શકીશુ. ભવિષ્યમાં પશુઓમાં લમ્પી જેવા રોગોને કેવી રીતે અટકાવવા, દૂધની શુદ્ધતા માપવા માટે સસ્તી ટેસ્ટ કીટ ઉપલબ્ધ કરાવવી, જિલ્લા મુજબ દૂધ સંઘો પોતાના વિસ્તાર-સીમનું આગામી માસમાં મેપીંગ કરાવે જેવા મુદાઓ પર વિચાર કરીને આગામી સમયમાં તેના પર અમલ થાય તેમ મંત્રીએ તમામને અનુરોધ કર્યો હતો.
મંત્રીએ કહ્યું હતું કે દરેક સંઘોએ જિલ્લા મુજબ દૂધ પ્રક્રિયાનો ખર્ચ ઘટાડીને તેનો લાભ છેવાડાના નાગરિકને કેવી રીતે આપી શકે તેના પર ચિંતન-મનન કરવું જોઇએ. વહીવટમાં વધુમાં વધુ પારદર્શીતા માટે રાજ્યના દૂધ સંઘો તેમની તમામ ખરીદી GeM –ઓનલાઇન પોર્ટલ ઉપર કરે અને રૂા. ૫ લાખથી વધુની ખરીદી માટે ફરજિયાત ઇ ટેન્ડરીંગ કરે તે માટે આગામી સમયમાં પરિપત્ર કરીને જાણ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ ડેરી-દૂધ સંઘોમાં રેન્ડમલી થર્ડ પાર્ટી ઓડીટ-ઇન્સ્પેક્શન કરવામાં આવશે તેમ પણ ઉમેર્યુ હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તેમજ પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડે ડેરી વિકાસ માટે જરૂરી સૂચનો કર્યા હતા.
રાજ્યના તમામ દૂધ સંઘોના તમામ ચેરમેન, વાઇસ ચેરમેન તથા એમ.ડી. સાથેની સહકાર રાજ્ય મંત્રીની આ પ્રકારની પહેલ માટે સરકારનો આભાર માનીને વિવિધ દૂધ સંઘોના ચેરમેન-એમ.ડી.એ પોતાને પડતી મુશ્કેલીઓ, વિવિધ હકારાત્મક સૂચનો અને તેમના દ્વારા નાગરિકોના હિતમાં ચલાવવામાં આવતા વિવિધ પ્રક્લ્પોની જાણકારી આપી મંત્રી ને માહિતગાર કર્યા હતા.
બેઠકમાં કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, જૂનાગઢ, અમદાવાદ, જામનગર, બોટાદ, અમરેલી, મોરબી, પંચમહાલ, ભરૂચ, ગાંધીનગર, ખેડા, ગીરસોમનાથ, પોરબંદર અને ભાવનગર સહિતના દૂઘ સંઘોના ચેરમેન અને MD ઉપસ્થિત રહ્યા હતા.