Site icon Revoi.in

ગાંધીનગરમાં સેક્ટર-30માં મેગા ડિમોલિશન, 7 મકાનો અને બે ધાર્મિક દબાણો તોડી પડાયા

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સેકટર-30માં ગેરકાયદે દબાણો સામે પાટનગર યોજના વિભાગની ટીમોએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે આજે સેમવારે વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં 7 કાચા-પાકા મકાનો અને બે ધાર્મિક સ્થાનોના દબાણો હટાવાયા હતા. વકફ બોર્ડમાં નોંધાયેલા પણ સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગરમાં સેકટર-30 પર આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભા થયેલા ધાર્મિક સહિતના નાના-મોટા દબાણો તોડવાની કામગારી હાથ ધરી છે. આજે પરોઢિયે દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેકટર 30 સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી. એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. બાદમાં દબાણ ટીમોએ અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારના સાતથી વધુ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. હવે શહેરમાં થયેલા 1400થી વધુ દબાણો પણ હટાવવામાં આવશે.

પાટનગર યોજના ભવનના સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર સેક્ટર 30માં આજે વહેલી સવારથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહીં સાતેક મકાનો અને બે ધાર્મિક દબાણો હતા, જે દૂર કરી દેવામાં આવ્યો છે. સરકારી જમીન પર મોટા અને નાના ધાર્મિક ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે, જે વકફ બોર્ડમાં નોંધાયેલા હતા. આ જમીનમાં 1,500થી વધુ વખત ફેરફાર કરવામાં આવ્યા હતા, જે સરકારી જમીનને ગેરકાયદેસર રીતે કાયદેસર બનાવવા લાંબા સમયથી પેરવી ચાલતી હતી. આ તમામ હકીકતોની સંપૂર્ણ તપાસ કર્યા પછી, વહીવટીતંત્રે કાનૂની પ્રક્રિયાને અનુસરીને આ જમીનને દબાણ મુક્ત કરી છે.

ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંયુક્તરીતે તૈયારીઓ કરવામાં આવી છે. આજે મેગા ડિમોલિશન કરાયું છે. અગાઉ ચરેડી ફાટકથી GEB તરફ અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાંના દબાણો તોડી પાડ્યા બાદ હવે તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં રહેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવી છે. દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી માટે 150 પોલીસ જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મેગા ડિમોલિશન શરૂ કરી દેવાયું છે. સવારના 10 વાગ્યા સુધીમાં 7 મકાન અને બે ધાર્મિક દબાણો તોડી પડાવામાં આવ્યા હતાં અને હજુ પણ ડિમોલિશનની કામગીરી શરૂ છે.

પાટનગર યોજના વિભાગ હસ્તકની જમીનો પરના દબાણો દૂર કરવાની આ ઝુંબેશ અંતર્ગત 1થી 30 સેક્ટર વિસ્તારમાં ઊભાં થઈ ગયેલાં 1400થી વધુ ઘર-ઝૂંપડાંના દબાણોને નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે રહેવાસીઓ વર્ષોથી એક જ જગ્યાએ વસવાટ કરતા હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સહિતની માંગણીઓ કરી રહ્યા છે, પરંતુ નોટિસ છતાં દબાણકર્તાઓ તરફથી કોઈ જવાબ ન મળતાં હવે તંત્રનું બુલડોઝર ગમે ત્યારે ફરી શકે છે.

Exit mobile version