
મોરબી પુલ દૂર્ઘટનાઃ બેદરકારી બદલ નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયાં
અમદાવાદ: મોરબીમાં પુલ તડવાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બેદરકારી બાબતે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મોરબીનો ઝૂલતો પૂલ તુટવાની ઘટનામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્વનું પગલુ ભરીને મોરબી નગરપાલિકના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. ફીટનેશ સર્ટિફિકેટ વિના જ બ્રીજ શરૂ કરાયો હોવા છતાય, તેમણે કોઇ પગલા ભર્યા નહોતા. જે તેમની ગંભીર બેદરકારી હતી. આ અનુસંધાનમાં તેમને સસ્પેન્ડ કરાયા છે. તો બીજી તરફ પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે અને હાલ આ કેસમાં શંકાના ઘેરાવામાં રહેલા ઓરેવાના માલિક જયસુખ પટેલ સહિતના લોકો ફરાર છે. જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને રાજ્ય બહાર તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, બીજી તરફ FSL દ્વારા બ્રીજની સાઇટ પરથી વિવિધ પુરાવા એકત્ર કર્યા હતા. આ પ્રકરણમાં આગામી દિવસોમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં તાજેતરમાં જ ઝુલતો પુલ ધરાશાયી થતા 100થી વધારે લોકોના મૃત્યુ થયાં હતા. આ બનાવને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી દોડી ગયા હતા. તેમજ પીડિતોને મળીને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીટીંગ કરી હતી.