Site icon Revoi.in

ગુજરાતમાં વધુને વધુ પશુપાલકો દેશી ગાયની નસલને વધુ ઉન્નત કરવા પ્રયત્નશીલ રહે: રાજ્યપાલ

Social Share

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડા જિલ્લાના બિડજ ખાતે એન.ડી.ડી.બી.ની સુપિરિયર એનિમલ જિનેટિક્સ લેબોરેટરીની મુલાકાતે હતા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સેક્સ સોર્ટેડ ટેકનીક અને લેબોરેટરીનું અવલોકન કર્યું હતું, લેબોરેટરની અદ્યતન સુવિધાઓ, સંશોધન કાર્યો અને પ્રયોગો વિશે જાણકારી મેળવી હતી.

ગુજરાતમાં ઉત્તમ નસલની-વધુ દૂધ આપતી દેશી ગાયની સંખ્યા વધે એ માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ-એન.ડી.ડી.બી. દ્વારા સંચાલિત સાબરમતી આશ્રમ ગૌશાળામાં સુપિરિયર એનિમલ જિનેટિક્સ લેબોરેટરીની મુલાકાત લઈને સ્વદેશી સેક્સ સોર્ટેડ સિમેન ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હતો.

કૃત્રિમ ગર્ભાધાન દરમિયાન સેક્સ સોર્ટીગ ટેકનીકથી ઉત્પાદન કરેલા વીર્ય ડોજ ના ઉપયોગ થી માદા પશુ જન્મવાની સંભાવના 90% થઈ જાય છે. પરિણામે, દેશી ગાયની સંખ્યા વધે, સાથોસાથ ઉચ્ચ નસલની વધુ દૂધ ઉત્પાદન કરતી બ્રીડ વિકસાવી શકાય એ માટે વધુને વધુ પશુપાલકો-ખેડૂતો સેક્સ સોર્ટેડ સિમેન ટેકનોલોજી સમજે અને અપનાવે એ વર્તમાન સમયની માંગ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વયં પશુપાલક છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં તેમના ગુરુકુળની ગૌશાળામાં તેઓ ઘણા વર્ષોથી પોતાની દેશી ગાયની બ્રિડને વધુને વધુ ઉન્નત કરવા માટે તેઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુને વધુ પશુપાલકો દેશી ગાયની નસલને વધુ ઉન્નત કરવા પ્રયત્નશીલ રહે એવી તેમણે અપીલ કરી છે.

એન.ડી.ડી.બી.એ ગોસોર્ટ નામથી પ્રભાવક અને ઓછી ખર્ચાળ સેક્સ સોર્ટેડ ટેકનીક વિકસાવી છે. ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગે રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત આ ટેકનિકને વ્યવસાયિક રૂપે લાગુ કરવાની મંજૂરી આપતા એન.ડી.ડી.બી.એ સ્વદેશી સેક્સ સોર્ટેડ ટેકનીક-ગૌસોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ઓક્ટોબર 2024 માં તેનો શુભારંભ કરાવ્યો હતો. અહીં એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકોને મોટી સબસીડી આપીને માત્ર 50 રૂપિયાની કિંમતે સેક્સ સોર્ટેડ સિમેન ઉપલબ્ધ કરાવીને ક્રાંતિ સર્જી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ખેડા જિલ્લાના બિડજમાં આવેલી સાબરમતી આશ્રમ ગૌશાળાની મુલાકાત લઈને સેક્સ સોર્ટેડ ટેકનીક અને લેબોરેટરીનું અવલોકન કર્યું હતું. તેમણે અદ્યતન લેબોરેટરની સુવિધાઓ, સંશોધન કાર્યો અને પ્રયોગો વિશે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન મીનેશ શાહ, એન.ડી.એસ.ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.સી.પી.દેવાનંદ તથા સુપિરિયર એનિમલ જીનેટિક્સના જનરલ મેનેજર ડૉ. અમરીશ પટેલ પાસેથી જાણકારી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ- વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Exit mobile version