Site icon Revoi.in

ગુજરાતમાં દર વર્ષે કૂતરા કરડવાના 2,41 લાખથી વધુ બનાવો, દેશમાં ટોપ 5માં ગુજરાતનો સમાવેશ

Social Share

અમદાવાદઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. રાજ્યમાં દર વર્ષે કૂતરા કરડવાના સરેરાશ કેસ 2.41 લાખથી વધુ છે, એટલે કે, દરરોજ 700 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રખડતા કૂતાઓનું ખસ્સીકરણ કરીને કૂતરાઓની વસતીને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. પણ રખડતા કૂતરાનો ત્રાસ યથાવત છે.

ગુજરાત કૂતરા કરડવાના બનાવોમાં ભારતના ટોચના 5 રાજ્યોની યાદીમાં સામેલ થઈ ગયું છે. સરકારી આંકડાઓની વાત કરીએ તો રાજ્યમાં દર વર્ષે કૂતરા કરડવાના બનાવો સરેરાશ 2.41 લાખથી વધુ કેસ નોંધાય છે, એટલે કે, દરરોજ 700 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ હવે આરોગ્ય વ્યવસ્થા પર દબાણ તો વધારી રહી છે જ, પરંતુ સામાન્ય લોકો માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે.

તાજેતરની ઘટનાઓની વાત કરીએ તો 8 ઓગસ્ટના રોજ વડોદરાના ડભોઈમાં 3 કલાકમાં 30થી વધુ લોકોને કૂતરાઓએ કરડ્યા હતા. 6 ઓગસ્ટના રોજ અમરેલીમાં શનિવારે એક કૂતરો તેના પિતાની સામે બે વર્ષના બાળકને જડબામાં પકડીને ભાગી ગયો હતો, જેને પિતાએ ખૂબ જ મુશ્કેલીથી બચાવ્યો હતો. 4 ઓગસ્ટના રોજ છોટા ઉદેપુરમાં કૂતરાના કરડવાથી 3 વર્ષના માસૂમ વંશનું મૃત્યુ થયું હતું. 5 જૂનના રોજ મહેસાણાના ખેરાલુમાં 44 વર્ષની મહિલાનું રેબીઝના કારણે મૃત્યુ થયું હતું. 13 મેના રોજ અમદાવાદના હાથીજણમાં એક પાલતુ કૂતરાએ પરિવારના સભ્યોની સામે 4 મહિનાના માસૂમ બાળકને કરડીને મારી નાખ્યો હતો. આવા ઘણા બધા કિસ્સાઓ છે જે હવે ગભરાટનું કારણ બની ગયા છે.

અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023 થી મે 2025 દરમિયાન પ્રાણીઓના કરડવાના કુલ 29,206 કેસ નોંધાયા હતા. આનો અર્થ એ થયો કે દરરોજ સરેરાશ 33 દર્દીઓ ફક્ત સારવાર માટે આ હોસ્પિટલમાં પહોંચે છે. હોસ્પિટલના સૂત્રોના કહેવા મુજબ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા પ્રાણીઓના કરડવાના લગભગ 95% કેસ કૂતરા કરડવાના છે. આમાં 17,789 પુરુષો, 5,696 મહિલાઓ અને 5,721 બાળકોનો સમાવેશ થાય છે.