Site icon Revoi.in

સુરતમાં શિવ રેસિડન્સીના 400થી વધુ રહીશો રડતી આંખે ઘર છોડવા મજબુર બન્યા

Social Share

સુરતઃ શહેરના ભીમરાડ વિસ્તારમાં શિવ રેસિડન્સીની બાજુમાં નવા પ્રોજેક્ટના ચાલી રહેલા ખોદકામ કામ દરમિયાન માટી ધસી પડી હતી. વધુ કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે શિવ રેસિડન્સીનું બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવ્યું છે. શિવ રેસિડન્સીમાં વર્ષોથી લોકો રહે છે. અને રાતોરાત ઘર ખાલી કરાવાતા રહીશો રડતી આંખે ઘર ખાલી કરવા મજબુર બન્યા છે. મ્યુનિએ શિવ રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી દીધા છે.

શહેરના ભીમરાડ વિસ્તારમાં શિવ રેસિડેન્સીની બાજુમાં ચાલી રહેલા ‘બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટ’ રાજલક્ષ્મી બિલ્ડરના ખોદાણને કારણે ગઈ તા. 17 ડિસેમ્બરે સર્જાયેલી દુર્ઘટનાના બાદ શિવ રેસિડેન્સીના ચાર ટાવરને સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવામાં આવતા બાળકો-વૃદ્ધો સહિત 400થી વધુ લોકોની હાલત અત્યંત દયનીય બની છે. રહીશો રડતી આંખે પોતાનો કિંમતી સામાન અને ઘરવખરી લઈને બહાર નીકળી રહ્યા છે, જ્યારે મ્યુનિના ગાર્ડ્સ દ્વારા બિલ્ડિંગને કડક સુરક્ષા વચ્ચે કોર્ડન કરી દેવામાં આવી છે.

આ ઘટનાને પગલે સુરત મ્યુનિ. કમિશનર દ્વારા આ પ્રકરણમાં એક જ દિવસમાં બે જવાબદાર અધિકારીઓને ‘શો-કોઝ’ (કારણદર્શક) નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં મધ્યસ્થ શહેર વિકાસ વિભાગમાં નાયબ શહેર વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ધર્મેશ એમ. પટેલ અને જુનિયર ઈજનેર કેતકી વી. શુક્લનો સમાવેશ થાય છે. આ બંને અધિકારીઓને તેમની બેદરકારી બદલ આગામી 7 દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવા આદેશ કરાયો છે.

શિવ રેસિડન્સીમાં 15 વર્ષથી લોકો રહે છે. હવે રહીશોને ફ્લેટ ખાલી કરવાની ફરજ પડી રહી છે. શિવ રેસિડન્સીની બાજુમાં નિર્માણધીન પ્રોજેક્ટમાં હજુ પણ પાણીનું લેવલ વધારે હોવાથી બાજુના ટાવરના રહીશોના જીવ અધ્ધર થઈ ગયા છે. સ્થાનિક રહીશોના કહેવા મુજબ  સોસાયટીને માત્ર એક બાજુથી નહીં પણ બંને બાજુથી જોખમમાં છે, કારણ કે બિલ્ડિંગની બીજી તરફ પણ સમાંતર બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે આખું સ્ટ્રક્ચર સંકટમાં મુકાયું છે. બિલ્ડરની લાપરવાહી અને તંત્રની નિષ્ક્રિયતા લીધે રહીશો ઘર છેડવા મજબુર બન્યા છે.

શિવ રેસિડેન્સીના ચાર ટાવરને સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાલી કરાવવાની નોટિસ મળતા જ રહીશોની હાલત કફોડી થઈ ગઈ છે. સતત બીજા દિવસે પણ લોકો પોતાની જીવનજરૂરિયાતની વસ્તુઓ, થોડાક કપડાં અને કિંમતી સામાન થેલામાં ભરીને ફ્લેટ ખાલી કરી રહ્યા છે. મ્યુનિએ સલામતીના ભાગરૂપે  ટાવરોને કોર્ડન કરી સીલ મારી દીધું છે અને ત્યાં ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોતાના જ ઘરમાં પ્રવેશવા માટે આજે આ લોકોને મંજૂરી લેવી પડી રહી છે.

Exit mobile version