Site icon Revoi.in

છત્તીસગઢમાં એક વર્ષમાં એક હજારથી વધારે નક્સવાદીઓએ કર્યું આત્મસમપ્રણ

Social Share

રાયપુર : છત્તીસગઢ રાજ્યમાં વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં 1,000થી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્ય સરકારે વામપંથી ઉગ્રવાદ (LWE)ને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો લક્ષ્યાંક 31 માર્ચ 2026 સુધીનો નક્કી કર્યો છે. આ હેતુ માટે સુરક્ષા દળો સતત સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે, જેના પરિણામે નક્સલીઓની આત્મસમર્પણની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે.

સરકારી આંકડા મુજબ, આ વર્ષે અત્યાર સુધી કુલ 1,040 નક્સલીઓએ હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે, જ્યારે ગયા વર્ષે (2024) કુલ 881 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. એટલે કે, આ વર્ષે આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવેલા સતત સંયુક્ત ઓપરેશન્સના પરિણામે નક્સલીઓ પર દબાણ વધ્યું છે.

ગયા કેટલાક વર્ષોના આંકડાઓ મુજબ 2020માં 344, 2021માં 544, 2022માં 417 અને 2023માં 414 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આ આંકડાઓ દર્શાવે છે કે માઓવાદી ચળવળ ધીમે ધીમે નબળી પડી રહી છે અને સુરક્ષા દળોની વ્યૂહરચના અસરકારક સાબિત થઈ રહી છે. સરકારે વામપંથી ઉગ્રવાદને સમાપ્ત કરવાનો સમયગાળો હવે અંતિમ તબક્કામાં છે. માર્ચ 2026 સુધીના બાકીના છ મહિનામાં સુરક્ષા એજન્સીઓને આશા છે કે વર્ષના અંત સુધી વધુ રેકોર્ડ સંખ્યામાં નક્સલીઓ આત્મસમર્પણ કરશે.

કેદ્રીય સશસ્ત્ર પોલીસ દળોના અધિકારીઓના જણાવ્યા મુજબ, આવતા અઠવાડિયામાં માઓવાદી કેડરના એક મોટા જૂથ દ્વારા પણ આત્મસમર્પણ થઈ શકે છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે છત્તીસગઢના સ્થાપના દિવસના અવસરે રાજ્યની મુલાકાતે જશે અને સ્થાપના દિવસના મુખ્ય સમારંભમાં હાજરી આપશે. માનવામાં આવી રહ્યું છે કે મોદીની મુલાકાત પહેલાં નક્સલીઓ આત્મસમર્પણ કરશે.

સુરક્ષા દળો દ્વારા માઓવાદી જૂથો સાથે આત્મસમર્પણ અંગેની ચર્ચા અને સમાધાનના પ્રયાસો ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નક્સલીઓના આત્મસમર્પણ પાછળ ત્રણ મુખ્ય કારણો છે સરકારની નવી આત્મસમર્પણ નીતિ, સુરક્ષા દળોની વ્યાપક કાર્યવાહી અને માઓવાદી નેતૃત્વમાં આંતરિક મતભેદ.

તાજેતરમાં નારાયણપુર જિલ્લામાં 16 માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, જેમના પર કુલ રૂ. 48 લાખનું ઈનામ જાહેર હતું. આ વધતા આત્મસમર્પણો દર્શાવે છે કે છત્તીસગઢમાં માઓવાદી ચળવળ હવે તેના અંતિમ તબક્કે પહોંચી રહી છે, અને સુરક્ષા દળો તથા સરકારની નીતિઓને સફળતા મળી રહી છે.