શ્રીલંકાની એક જ મહિનામાં એક લાખથી વધારે પ્રવાસીઓની લીધી મુલાકાત
બેંગ્લોરઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી ધીમે-ધીમે બહાર આવી રહ્યું છે. શ્રીલંકાની મોટાભાગની આવક પ્રવાસન ક્ષેત્રમાંથી થાય છે. દર વર્ષે શ્રીલંકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ કોરનાને પગલે કેટલાક પ્રતિબંધોને પગલે શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી. જેથી શ્રીલંકામાં આર્થિક સમસ્યા ઉભી થઈ હતી. આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા શ્રીલંકાને ભારતે પણ આર્થિક મદદ પુડી પાડી હતી. જો કે, હવે ફરીથી પ્રવાસન ઉદ્યોગ ધમધમતો થયો છે. એક મહિનામાં એક લાખથી વધારે પ્રવાસીઓ નોંધાયાં હતા.
શ્રીલંકામાં જાન્યુઆરી 2023 માટે એક લાખથી વધુ પ્રવાસીઓનું આગમન નોંધાયું છે. શ્રીલંકા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીમાં 20,000 પ્રવાસીઓમાં વધારો નોંધાવ્યો છે. આ ટાપુ રાષ્ટ્રમાં મહિના દરમિયાન ભારતમાંથી 13,759 પ્રવાસીઓ આવ્યા હતા. ગયા વર્ષે ભારત શ્રીલંકામાં પ્રવાસન માટેનું સૌથી મોટું પ્રવાસન સ્ત્રોત હતું. શ્રીલંકા સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. સરકાર દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યાં છે.