Site icon Revoi.in

વલસાડમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 35 અને મેલેરિયાના 10 કેસ નોંધાયા

Social Share

વલસાડઃ  જિલ્લામાં વરસાદી વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ તાવના તો ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 35 અને મેલેરિયાના 10 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે 814 ટીમો બનાવી છે. આ ટીમો ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી કરી રહી છે. જિલ્લામાં 480 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પાણીનો ભરાવો મળી આવ્યો છે. આરોગ્ય વિભાગે બિલ્ડરો અને બાંધકામ સાઇટ સંચાલકોને નોટિસ પાઠવી છે. તેમજ મચ્છરોના નાશ માટે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

વલસાડ શહેરમાં પણ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. આરોગ્ય વિભાગની ટીમ મચ્છરોના પોરા શોધીને નાશ કરી રહી છે. તેમજ શહેરમાં ભંગારના ગોડાઉન સંચાલકોને પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. તેમને પાણીનો સંગ્રહ ન થાય તે રીતે ભંગાર રાખવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે વલસાડ નગરપાલિકાની આરોગ્ય ટીમને શહેરી વિસ્તારમાં જરૂરી કામગીરી કરવા સૂચના આપી છે.  ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી છે. તેથી ડેન્ગ્યુના કેસો વધવાની શક્યતા છે. વરસાદની સીઝનમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. આ કારણે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધી શકે છે. જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે.