
ભાવનગર જિલ્લાના મોટાભાગના જળાશયો છલોછલ, દોઢ વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા નહીં નડે
ભાવનગરઃ જિલ્લામાં આવેલા 12 જેટલાં જળાશયો છલોછલ ભરાવવાની તૈયારીમાં છે. આથી ખેત સિંચાઈને લગતો મહત્વનો પ્રશ્ન એક વર્ષ માટે સોલ્વ થઈ ગયો છે તો બીજી તરફ શેત્રુંજી ડેમ પણ પૂર્ણ સપાટીએ ભરેલો હોવાનાં કારણે ત્રણ તાલુકા તથા ભાવનગર શહેર માટે પીવાનાં પાણીની વિશાળ જળરાશી ઉપલબ્ધ છે.
સિચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રના સૌથી મોટા બીજા ક્રમનો જળસંગ્રહ માટેનો ડેમ શેત્રુંજી ડેમ હાલમાં 98 ટકા જેટલો ભરેલો છે. આ વર્ષ કદાચ વરસાદ ન પડે તો ભાવનગર શહેર-જિલ્લાને આગામી દોઢ વર્ષ સુધી પીવાનુ તથા ખેત સિંચાઈ માટે પાણી આપી શકાય એવી વ્યવસ્થા છે. પીવાનું પાણીની ભાવનગર સહિત ત્રણ તાલુકાને દોઢથી બે વર્ષ પીવાનું પાણી આસાનીથી પુરૂ પાડી શકાય તેમ છે. શેત્રુંજી ડેમ સહિત જિલ્લામાં કુલ 12 જેટલાં નાનાં મોટાં ડેમો આવેલાં છે, હાલમાં મોટાભાગના ડેમ ફલક સપાટીએ હોવાનું સરકારી તંત્ર દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ પડ્યો હતો પરિણામે તમામ જળાશયો છલકાઈ ગયાં હતાં, એ પાણી હતું એ દરમિયાન આ વર્ષે ઉનાળાના અંતે તાઉતે વાવાઝોડું આવ્યું હતું. એ વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ થયો હતો. જેને પગલે ચોમાસા પૂર્વે જ તમામ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ ગઈ હતી અને ચોમાસાના પ્રથમ બે સપ્તાહ દરમિયાન મંદ ગતિએ પાણીની આવક અકબંધ રહેતા તમામ જળાશયો હાલમાં ફલક સપાટીએ છે. ચોમાસું બાકી હોવાનાં કારણે જળ સપાટી યોગ્ય લેવલે જાળવી રાખવા માટે મહદઅંશે જળાશયોમાંથી પાણી સમય સમયાંતરે છોડવામાં આવી રહ્યું છે. આથી આવનાર દિવસોમાં કદાચ વરસાદ ન થાય તો પણ ખેત સિંચાઈ માટે પાણી કેનાલોમા છોડી ખરીફ પાકોનું વાવેતર બચાવી શકાશે.