Site icon Revoi.in

ભાવનગરમાં ગેરકાયદે પાણીના નળ કનેક્શન લેનારા સામે મ્યુનિની ઝૂંબેશ

Social Share

ભાવનગર 28 ડિસેમ્બર 2025: Municipal campaign against illegal water tap connections in Bhavnagar શહેરમાં અનેક વિસ્તારમાં પાણી માટે ગેરકાયદે કનેક્શનો લીધાની ફરિયાદો ઉઠતા મ્યુનિ.દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિના વોટર વર્કસ વિભાગ દ્વારા 1 ડિસેમ્બરથી અલગ અલગ ટીમો બનાવીને શહેરના 11 ઝોનમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એક 1 મહિનામાં 1500 પાણી કનેક્શન ચેકિંગ કરવામાં આવ્યાં જેમાં 40 જેટલા ગેરકાયદેસર કનેક્શન ઝડપાયા છે. આગામી દિવસોમાં પાણી કનેક્શન અંગે ચેકિંગ ઝુંબેશ શરૂ રહેશે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલકના કહેવા મુજબ મ્યુનિના વોટર વર્કસ વિભાગ દ્વારા ગઈ તા. 1લી ડિસેમ્બરથી શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કા વાર પાણી કનેક્શનોની ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં મ્યુનિ. દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવામાં આવતું હોવા છતાં પાણી પુરતા ફોર્સથી ન મળતુ હોવાની ફરિયાદોનું નિરાકરણ લાવવાનો છે. આજ દિવસ સુધીમાં 1500થી વધુ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 40થી વધુ ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા છે. આ કામગીરી હજુ આગામી એકથી દોઢ મહિના સુધી શરૂ રહેશે. શહેરના વોટર વર્કસ વિભાગના 11 ઝોન છે. 11 ઝોનમાં તેના ઝોન સુપરવાઇઝરના દેખરેખ નીચે તમામ ફિલ્ડ સ્ટાફ છે તેના દ્વારા આ દૈનિક કામગીરી કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે નાગરિકોને ખાસ અપીલ કરીએ છીએ કે, બીએમસી દ્વારા અડધા ઇચના રહેણાકીય કનેક્શન કે અડધા ઇંચના બીન રહેણાકીય કનેક્શન એટલે કે કોમર્શિયલ કનેક્શન, કે જે વગર મંજૂરીએ લેવામાં આવેલા હોય તો તેને રેગ્યુલાઇઝ કરવા માટેની એક પેનલ્ટી પણ નક્કી કરેલી છે. તો કોઈ આસામી દ્વારા વગર મંજૂરીએ આવું અડધું ઇંચનું કનેક્શન મ્યુનિની જાણ બહાર લીધું હોય તો તેઓ સામેથી મ્યુનિના વોટર વર્ક્સનો સંપર્ક કરી પોતે આ નિયત થયેલી પેનલ્ટી ભરી તે કનેક્શનને કાયદેસર કરાવી શકે છે, જેથી કરીને તેઓના કનેક્શન કટ ન થાય. પાણી કનેક્શન કટ થયા બાદ તેઓને પાણી ન મળે તેવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત જો કોઈ મોટા કનેક્શન કોઈએ લીધા હોય તો તેઓ પોતાની સ્વેચ્છાએ કનેક્શન કટ કરી લે. અથવા તો મ્યુનિ. દ્વારા જ્યારે આ ધ્યાનમાં આવશે તો તેઓ દ્વારા પેનલ્ટી સાથે દંડ વસૂલ કરવામાં આવશે અને તેનું કનેક્શન કાપી નાખવામાં આવશે.

Exit mobile version