1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ, મ્યુનિ,કમિશનર અને ભાજપના પદાધિકારીઓ આમને-સામને
અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ, મ્યુનિ,કમિશનર અને ભાજપના પદાધિકારીઓ આમને-સામને

અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ, મ્યુનિ,કમિશનર અને ભાજપના પદાધિકારીઓ આમને-સામને

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપના વપરાશને લીધે પર્યાવરણ અને પેપર કપમાં ચા પીતાં લોકોના આરોગ્યને પણ નુકશાન થાય છે તેથી મ્યુનિ.ના કમિશનરે આજથી એટલે કે 20મી જાન્યુઆરીથી પેપર કપના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જો કે પેપર કપ પરના પ્રતિબંધની જાહેરાત સપ્તાહ પહેલા જ કરવામાં આવી હતી. મ્યુનિ.કમિશનરના આ નિર્ણયનો અમલ થવાના ટાણે જ શહેરના મેયરને કમિશનરે લીધેલો નિર્ણય અયોગ્ય લાગ્યો છે. હવે શહેરના મેયરે વિરોધનો ઝંડો ઉપાડ્યો છે. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, પેપર કપ પરના પ્રતિબંધનો  કોઈ ઠરાવ થયો નથી. અમને પૂછીને નિર્ણય નથી લેવાયો માત્ર કમિશનરના મૌખિક આદેશ પર કાર્યવાહીની તૈયારી થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ચાની કિટલીઓ પર પેપર કપના ઉપયોગ સામે મ્યુનિ.કમિશનરે પ્રતિબંધ ફરમાવતા મ્યુનિના પદાધિકારીઓ નારાજ બન્યા છે. ત્યારે શહેરીજનોમાં એવો પ્રશ્ન ઉઠ્યો છે. કે, શું પ્રજાના હિત માટે મ્યુનિ. કમિશનર નિર્ણય ન લઈ શકે, કમિશનર પોતાનો પાવરનો ઉપયોગ શું ન કરી શકે ? એવો પણ પ્રશ્ન ઊભો થયો છે. શહેરના મેયરના આ નિવેદનથી પ્રતિબંધના અમલ મુદ્દે વિવાદ ઊભો થયો છે. મેયર જણાવ્યું હતું કે, કમિશનર રાઉન્ડમાં નીકળ્યા અને તેમને યોગ્ય લાગ્યું એટલે નિર્ણય લેવાયો છે. પરંતુ સત્તાધારી પક્ષને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં અમે કમિશનર તથા અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી લોકોના હિતમાં હશે તેવો નિર્ણય લઈશું. મ્યુનિ.એ 20 જાન્યુઆરીથી પ્રતિબંધના અમલની જાહેરાત કરવામાં આવી હતી. પ્રતિબંધ લાદવા માટેની દલીલના ટેકામાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, શહેરની ચાની કીટલીઓ પરથી રોજના અંદાજે 20 લાખ પેપર કપ રોડ પર ફેંકાતા હોય છે. આ પેપર કપને કારણે સ્ટોર્મ વોટર લાઈન અને ગટર લાઈન ચોકઅપ થઈ જતી હોય છે. આ ઉપરાંત પેપર કપની અંદર ચોંટાડેલું પ્લાસ્ટિકનું પાતળું લેયર  લોકોના આરોગ્ય માટે હાનિકારક છે. મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગે તમામ કીટલીઓ અને લારીઓને પેપર કપનો ઉપયોગ નહીં કરવા સૂચના આપી છે. છેલ્લા 5 દિવસથી સોલિડ વેસ્ટ વિભાગ આ માટે ઝુંબેશ ચલાવી રહ્યો છે. બુધવારે અનેક વિસ્તારમાંથી કીટલીઓ પરથી પેપર કપ જપ્ત કરાયા હતા. પહેલેથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તમામ કીટલીવાળાને પહેલાં સમજાવવામાં આવશે અને એ પછી શુક્રવારથી જો આ કીટલીઓ પર પેપર કપમાં ચા અપાતી હશે તો કીટલી સીલ કરવા સહિતના પગલાં લેવામાં આવશે.

​​​​​​​સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.ની ચૂંટાયેલી પાંખે પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે વિરોધનો સૂર કાઢતાં હવે પ્રતિબંધના નિર્ણયને અભેરાઈએ ચડાવી દેવામાં આવે તેવી શક્યતા છે. કહેવાય છે. કે, મ્યુનિ. કમિશનરની કાર્યરીતિ ભાજપના પદાધિકારીઓને ગમતી નથી. તત્કાલીન કમિશનર લોચન સહેરાની બદલી થયા પછી કમિશનર તરીકે થેન્નારસનની નિયુક્તિ કરવામાં આવી ત્યારથી તેમણે સૌથી પહેલાં શહેરને સ્વચ્છ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. પ્રથમ તબક્કામાં સોલિડ વેસ્ટ વિભાગના તમામ અધિકારીઓને સુરત મોડલનો અભ્યાસ કરવા મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર લોકોને પણ સમજાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.  પ્લાસ્ટિકના વપરાશ અંગે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરી મ્યુનિ.એ પરિપત્ર તૈયાર કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસમાં સોલિડ વેસ્ટ વિભાગે અનેક વિસ્તારોમાં દરોડા પાડી 7 હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. ઓક્ટોબરમાં 854 વેપારીને નોટિસ આપી 2.50 લાખ, નવેમ્બરમાં 1865ને નોટિસ આપી 5.14 લાખ, ડિસેમ્બરમાં 4096ને નોટિસ આપી 2.39 લાખ, જાન્યુઆરીના 17 દિવસમાં 1052ને નોટિસ આપી 5.35 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જો કે, મ્યુનિ.ની કડક કાર્યવાહી છતાં હજુ પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code