Site icon Revoi.in

યાત્રાધામ અંબાજીમાં 15મી જાન્યુઆરીએ નાગા સાધુઓ સૂર્યોદય સમયે શાહી સ્નાન કરશે

Social Share

અંબાજી, 11 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે  શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા ભવ્ય સાધુ મહામેળાનું આયોજન કરાયુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી તા 15 જાન્યુઆરી સુધી દેશભરના હજારો નાગા સાધુઓ અને સન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થઈ શાહી સ્નાનમાં ભાગ લેશે. આ મહામેળાને લઈને અંબાજીમાં સાધુ-સંતોનો વિશાળ જમાવડો જામશે. અંબાજી શક્તિપીઠ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા ભવ્ય સાધુ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી ખાતે આજે તા.11મીથી તા. 15 જાન્યુઆરી સુધી દેશભરના હજારો નાગા સાધુઓ તથા સન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થશે. અને 15મી જાન્યુઆરીએ સૂર્યોદય સમયે માન સરોવર કુંડ ખાતે શાહી સ્નાન કરશે. સાધુ-સંતોના મહામેળાને લઈને અંબાજી ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠશે. અંબાજીમાં શાહી સ્નાનની પરંપરા છેલ્લા ચાર વર્ષથી ચાલી આવી છે. અને આ વર્ષે પાંચમું આયોજન કરાયુ છે. આજે તા. 11 જાન્યુઆરીના રોજ સાધુ-સંતોના આગમન થયુ છે. ચાર દિવસ દરમિયાન ગણપતિ પૂજા, ધર્મધજા સ્થાપન, ગૌ પૂજા, કન્યાપૂજન સહિત વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે. મકરસંક્રાંતિ પર્વ 14 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યાથી શરૂ થતું હોવાથી મુખ્ય શાહી સ્નાન 15 જાન્યુઆરીના રોજ સૂર્યોદય સમયે યોજાશે. આ પવિત્ર દિવસોમાં રાત્રિના સમયે અંબાજીના માનસરોવર કુંડ ખાતે ભવ્ય ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.15 જાન્યુઆરીના રોજ સાધુ-સંતોના શાહી સ્નાન સાથે આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

Exit mobile version