Site icon Revoi.in

નરેન્દ્ર મોદી શનિવારે ચીનની મુલાકાતે અને શી જિનપિંગ સાથે મુલાકાત કરશે

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન તિયાનજિન ખાતે યોજાનાર શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભાગ લેવા ચીનની મુલાકાત લેશે. આ દરમિયાન તેમની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થશે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

ભારત અને ચીને 1 એપ્રિલ 1950ના રોજ રાજનૈતિક સંબંધો સ્થાપ્યા હતા, પરંતુ 1962ના સરહદી સંઘર્ષે આ સંબંધોને ઝટકો આપ્યો. 1988માં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ચીન મુલાકાતે સંબંધોને ફરી પાટા પર લાવવાની શરૂઆત કરી. બાદમાં 2003માં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ચીન મુલાકાતથી વિશેષ પ્રતિનિધી પ્રણાલીની રચના થઈ અને 2005માં ચીનના પ્રધાનમંત્રી વેન જિયાબાઓની ભારત મુલાકાતે વ્યૂહાત્મક અને સહયોગી ભાગીદારીને પ્રોત્સાહન મળ્યું.

2014માં રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાતથી ઘનિષ્ઠ વિકાસાત્મક ભાગીદારીની પાયારચના થઈ, જ્યારે 2015માં પ્રધાનમંત્રી મોદીની ચીન મુલાકાતે આ ગતિ જાળવી રાખી. 2018માં વુહાન અને 2019માં ચેન્નાઈમાં અનૌપચારિક શિખર સંમેલનોએ પરસ્પર વિશ્વાસમાં વધારો કર્યો. તેમ છતાં, 2020માં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવથી સંબંધો પર અસર થઈ. 2024માં રશિયાના કઝાન ખાતે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન મોદી અને જિનપિંગની મુલાકાતથી સંબંધોમાં સુધારો આવ્યો.

આ પ્રવાસ પહેલાં પણ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતો થઈ ચૂકી છે. 2016માં G20 હાંગઝો અને બ્રિક્સ ગોવા, 2017માં બ્રિક્સ શિયામેન, 2018માં એસસીઓ ક્વિંગદાઓ અને 2019માં એસસીઓ બિશ્કેક તથા જી20 ઓસાકા જેવા પ્રસંગોમાં નેતાઓ મળ્યા હતા. 2022માં જી20 બાલી દરમિયાન પણ બંને નેતાઓ વચ્ચે ટૂંકી મુલાકાત થઈ હતી.

Exit mobile version