
નરેન્દ્ર મોદી વર્ષ 2024 જ નહીં 2029માં પણ વડાપ્રધાન બનશેઃ રાજનાશ સિંહ
લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતું. હવે પાંચમાં તબક્કામાં મતદાન યોજાશે. ભાજપા દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો ઉપર આકરા પ્રહાર કર્યાં છે, એટલું જ નહીં વર્ષ 2024માં જ નહીં પરંતુ 2029માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવો દાવો કર્યો છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી અને ઉત્તર પ્રદેશની લખનૌ સીટ પરથી ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભાજપના વરિષ્ઠ નેતા હોવાના નાતે હું કહેવા માંગુ છું કે 2024માં પણ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે અને 2029માં તેઓ ભારતના વડાપ્રધાન પણ બનશે.” આ સાથે જ આરક્ષણના મુદ્દે રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, અનામત ખતમ કરવાનો સવાલ જ નહીં આવે, પરંતુ ધર્મના આધારે અનામત નહીં મળે. અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા જેમ છે તેમ ચાલુ રહેશે. આ સાથે તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ દેશની જનતાને ગેરમાર્ગે દોરીને તેમનું સમર્થન મેળવવા માંગે છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસના લોકોએ બંધારણમાં સૌથી વધુ ફેરફાર કર્યા છે. બંધારણની પ્રસ્તાવના જે બંધારણનો આત્મા છે. પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તેને બદલવાનું કામ ઈન્દિરા ગાંધીએ 1976માં કર્યું હતું.”