
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી
અમદાવાદઃ અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ 44 ડિગ્રીમાં અગનભઠ્ઠી બનશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવની પણ શક્યતાઓ છે. એટલે કે, સૌરાષ્ટ્રવાસીઓ દિવસે હીટવેવમાં શેકાશે તો સાંજે વરસાદથી ભીંજાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેર અને સુરતમાં હીટવેવની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ બાદ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે.
આગામી બે દિવસ બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા હવે ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તેને કારણે તાપમાનમાં વધારો થશે તથા ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહીને ફરી એકવાર એક ડિગ્રી તાપમાન વધી શકે છે. હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે. આથી મધ્યપ્રદેશ, ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે
રાજ્યમાં ગઈકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીના પ્રકોપ જોવા મળ્યો હતો. 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. મહત્તમ તાપમાનની વાત કરીએ તો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ માટે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળશે.
હિટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ 30 થી40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવવાની શક્યતા દર્શાવી છે.