Site icon Revoi.in

જુનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે નરસિંહ મહેતા સરોવરનો 28મીએ લોકાર્પણ કરાશે

Social Share

જુનાગઢ, 25 જાન્યુઆરી 2026:  શહેરના ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર કરાયુ છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ પાછળ આશરે 68 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. લોકાર્પણ પૂર્વે મ્યુનિના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

જુનાગઢના ઐતિહાસિક ગણાતા નરસિંહ મહેતા સરોવરની નવીનીકરણ પ્રક્રિયામાં તેની ડિઝાઈન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અમદાવાદ અને દિલ્હીના અનેક મહત્વના સ્ટ્રક્ચર્સ ડિઝાઈન કરનારી ખ્યાતનામ સંસ્થા HCP ડિઝાઈન એન્ડ કન્સલ્ટન્સી દ્વારા આ સરોવરનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. વર્ષ 2022માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ઓરિજનલ ડિઝાઈન બાદ અનેક નવી સુવિધાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો, જેના કારણે કુલ ખર્ચ 68 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે.  નરસિંહ મહેતા સરોવરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે તેમાં અનેક સુવિધાઓ ઉમેરાઈ છે. જેમાં સરોવરની ચારેબાજુ વોકિંગ વે બનાવવામાં આવ્યો છે.સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 400 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર તૈયાર કરાયું છે.સરોવરમાં બે આઈલેન્ડ અને સાત જેટલા વ્યુઈંગ ડેક્સ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી સરોવરનો નજારો માણી શકાશે.સમગ્ર સંકુલમાં CCTV કેમેરા, પબ્લિક એડ્રેસ (PA) સિસ્ટમ અને ઈમરજન્સી માટે પેનિક બટનની સુવિધા પણ આપવામાં આવી છે.

જૂનાગઢ મ્યુનિ.કોર્પરેશનના સૂત્રોના કહેવા મુજબ  અત્યારે હાલમાં લોકો માટે સરોવર નિઃશુલ્ક ખુલ્લું મૂકવામાં આવશે. જોકે, આ પ્રોજેક્ટ ઘણો મોટો હોવાથી તેના મેન્ટેનન્સ માટે ભવિષ્યમાં O&M (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એજન્સીની નિમણૂક કરવામાં આવશે. તે સમયે મેન્ટેનન્સના ખર્ચને પહોંચી વળવા માટે ચોક્કસ એન્ટ્રી ફી નક્કી કરવામાં આવશે, પરંતુ ત્યાં સુધી તેનું સંચાલન મ્યુનિ. દ્વારા જ કરવામાં આવશે.

Exit mobile version