Site icon Revoi.in

નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમારોહ યોજાયો

Social Share

ગાંધીનગરઃ શહેરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ”નો સમાપન સમારોહ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવીની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. આ બે દિવસીય પરિષદમાં સહભાગી થયેલા વિવિધ રાજ્યના પ્રતિનિધિઓ અને ગુજરાતના અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવીને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવીએ સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર લેન્ડ એડ્મીનીસ્ટ્રેશન જેવા વિષય પરની રાષ્ટ્રીય પરિષદ રાજ્યની પારદર્શી વહીવટી પ્રણાલીને વધુ વેગવાન બનાવશે. આ પરિષદ દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો અને ગુજરાત વચ્ચે એક સેતુરૂપ ભૂમિકા ભજવશે. એક-બીજાની બેસ્ટ પ્રેક્ટીસીસથી પ્રેરણા લેવા તેમજ આ પરિષદમાં યોજાયેલા સેમીનાર અને તેમાં વિવિધ વિષયો પર થયેલી ચર્ચાઓમાંથી પ્રેરણા લઈને નક્કર પરિણામ મળે તે દિશામાં કામ કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, લેન્ડ એડ્મીનીસ્ટ્રેશન ક્ષેત્રે ગુજરાત હરહંમેશ દેશના અન્ય રાજ્યો માટે માર્ગદર્શક રાજ્ય રહ્યું છે. દેશમાં સૌપ્રથમવાર વર્ષ 2009-10માં  ગુજરાતે રી-સર્વેની કામગીરી કરવાનું સાહસ કર્યું હતું. આ દિશામાં ગુજરાત ફર્સ્ટ મૂવર રાજ્ય હોવાથી અનેક પ્રશ્નો પણ ઉભા થયા અને વિવિધ પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ ગુજરાતે દ્રઢ નિશ્ચય સાથે દરેક પડકારને ઝીલી લઇ આજે પરિણામલક્ષી કામગીરી કરીને અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. ડૉ. રવીએ આ કોન્ફરન્સમાં તલાટીથી લઈને ઉચ્ચ અધિકારી સુધી સહભાગી થયેલા દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટેક્નોલોજી ક્ષેત્રે આપણે આત્મનિર્ભર બની રહ્યા છીએ તેમ જણાવતાં બાઇસેગના ડિરેક્ટર જનરલ  ટી. પી. સિંઘે કહ્યું હતું કે, તમે તમારી સમસ્યા વિશે જણાવો અને અમે તમને તેના અનુરૂપ ટેક્નોલોજી બનાવી આપીશું. આપણે હવે જમીન સંપાદનના રેકોર્ડ્સ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમામ કામગીરીને ઝડપી અને સરળતાથી કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે કામગીરી કરીશું. આગામી સમયમાં હાર્ડવેર સિવાયની તમામ પ્રકારની સુવિધાઓ બાઇસેગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત જમીન રેકોર્ડ ટ્રેનીંગ માટેની સેટેલાઈટ ચેનલ તમામ પ્રકારના માધ્યમોમાં નિ:શુલ્ક બતાવવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ભારત સરકારના ભૂમિ સંશાધન વિભાગના સંયુક્ત સચિવ  કુણાલ સત્યાર્થીએ દેશમાં પ્રથમવાર લેન્ડ એડ્મીનીસ્ટ્રેશન વિષય પર રાષ્ટ્રીય કક્ષાની પરિષદનું સફળ આયોજન કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે દેશમાં કોઈએ વિચાર્યું પણ ન હતું, ત્યારે ગુજરાતે દેશમાં સૌપ્રથમ રી-સર્વે કરવાની આગવી પહેલ કરી હતી. આ પહેલથી મહેસૂલ અને જમીન રેકર્ડ ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. આ સફળ આયોજન બદલ તેમણે ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા.

આ સમારોહ દરમિયાન આણંદ જિલ્લા કલેકટર  પ્રવીણ ચૌધરીએ બે દિવસીય પરિષદ દરમિયાન યોજાયેલા વિવિધ પેનલ ડિસ્કશન અને એક્શન સેમીનાર, તેની થીમ, સેમિનારમાં થયેલી ચર્ચા અને તેના પરિણામો અંગે પ્રેઝેન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માહિતી આપી હતી.

આ સમારોહમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના CEO શ્રી આલોકકુમાર પાંડેએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે,  ગુજરાતના જમીન સુધારણા કમિશનર શ્રી ભાવિન પંડ્યાએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી  એસ. ચોકલિંગમ, કર્ણાટક મહેસૂલ વિભાગના અગ્ર સચિવ  રાજેન્દ્રકુમાર કટારીયા, ગુજરાતના સેટલમેન્ટ કમિશનર  બીજલ શાહ સહિત વિવિધ રાજ્યોમાંથી પધારેલા ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકારના વિવિધ અધિકારી-કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.