
- કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે
- દેશના અનેક ભાગોમાંથી મજૂરોએ વતનની વાટ પકડી
- મજૂરો લોકડાઉનના ડરે કરી રહ્યા છે પલાયન
નવી દિલ્હી: કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ફરી એક વાર દેશના અનેક વિસ્તારોમાંથી મજૂરોની વતન વાપસી શરૂ થઇ ચૂકી છે.
કોરોનાના વધતા કેસ સામે સરકાર તેને નિયંત્રણમાં રાખવા માટે લોકડાઉન સહિતના પ્રતિબંધો લાગૂ કરવા માટે મજબૂર બની છે ત્યારે પ્રતિબંધોની અસર કામકાજ પર પડી રહી છે અને ફરી એકવાર દેશના અનેક ભાગોમાંથી અનેક પ્રવાસી શ્રમિકો પલાયન કરી રહ્યા છે.
દિલ્હીમાં સતત વધતા કોરોના કેસથી પ્રવાસની મજૂરોનું પલાયન જારી છે. ગત દિવસોમાં દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર મજૂરોની ભીડ જોવા મળી રહી છે અને અનેક લોકો ઘરે જવા ઇચ્છે છે. તેવામાં પાછા ફરનારા મજૂરોનું કહેવું છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. તો લોકડાઉન લાગૂ થઇ શકે છે તેથી બહેતર છે કે અમે ઘર તરફ પ્રયાણ કરીએ.
દિલ્હીમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં પણ કોરોના સ્ફોટક ગતિએ વધી રહ્યો છે ત્યારે ત્યાં પણ પ્રવાસી શ્રમિકો વતનની વાટ પકડી છે. મુંબઇ રેલવે સ્ટેશન પર ભારે સંખ્યામાં મજૂરોની ભીડભાડ જોવા મળી રહી છે. મુંબઇ ઉપરાંત પુણે, નાસિક અને નાગપુરમાંથી આવા સમાચાર આવી રહ્યા છે. જાણકારી અનુસાર ધારાવીમાંથી 25 હજાર મજૂરોએ પલાયન કર્યું છે.
મહારાષ્ટ્રમાંથી ઝારખંડ પાછા ફરનારા મજૂરોની સંખ્યા ઘણી વધારે છે. આમ દેશના અનેક ભાગોમાંથી લોકડાઉનના ડરથી મોટી સંખ્યામાં મજૂરો વતન તરફ પાછા ફરી રહ્યા છે.
(સંકેત)