- જમ્મૂ કાશ્મીરની મુલાકાતે ગૃહમંત્રી અમિત શાહ
- ગૃહમંત્રી અમિત શાહે રેલીને સંબોધી
- વિકાસના યુગને કોઇ ખલેલ નહીં પહોંચાડી શકે: અમિત શાહ
નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આ દરમિયાન રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેઓ આજે જમ્મૂ એમ કહેવા આવ્યા છે કે જમ્મૂના લોકોને અન્યાયનો સમય હવે સમાપ્ત થયો છે. હવે તમારી સાથે કોઇ અન્યાય કરી શકશે નહીં. અહીંથી શરૂ થઇ રહેલા વિકાસના યુગને જે લોકો ખલેલ પહોંચાડી રહ્યાં છે તેઓ પરેશાન છે, પરંતુ વિકાસના યુગને કોઇ ખલેલ ના પહોંચાડી શકે.
તેઓએ વધુમાં મેડિકલ કોલેજો વિશે કહ્યું હતું કે એક સમયે જમ્મૂ કાશ્મીરમાં માત્ર ચાર મેડિકલ કોલેજ હતી અને હવે આજે અહીં સાત નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. હવે અહીંયા 2000 વિદ્યાર્થીઓ MBBS કરી શકશે.
અમિત શાહે આ દરમિયાન કહ્યું કે, પહેલાં જમ્મુમાં શીખ, ખત્રી, મહાજનને જમીન ખરીદવાનો અધિકાર નહોતો. અહીં આવેલા શરણાર્થીઓને અધિકારો નહોતા, વાલ્મીકિ અને ગુર્જર ભાઈઓને અધિકારો નહોતા. હવે મારા આ ભાઈઓને ભારતના બંધારણના તમામ અધિકારો મળવાના છે.
તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019 ના રોજ વડાપ્રધાન મોદીએ ઐતિહાસિક નિર્ણય લેતા કલમ 370 અને 35A નાબૂદ કરી દીધી. જેના કારણે જમ્મુ-કાશ્મીરના લાખો લોકોને તેમનો અધિકાર મળ્યો. વળી, હવે ભારતીય બંધારણના તમામ અધિકારો અહીંના તમામ લોકોને આપવામાં આવી રહ્યા છે.
વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, ગઈકાલે આ ત્રણ પરિવારના સભ્યો મને સવાલ પૂછતા હતા કે તમે શું આપીને જશો ? ભાઈ, હું હિસાબ લઈને આવ્યો છું કે હું શું આપીશ. પરંતુ 70 વર્ષ સુધી ત્રણ પરિવારોએ જમ્મુ -કાશ્મીરમાં શાસન કર્યું, તમે જે આપ્યું છે તેનો હિસાબ લઈને આવો.