સુરતઃ રાજ્યમાં સુરત શહેર હીરા ઉદ્યોગનું હબ ગણાય છે. હીરાના અસંખ્ય કારખાનાં આવેલા છે અને લાખો રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે. હાલ હીરા ઉદ્યોગમાં તેજી છે. તેમ છતાં અમુક હીરાના કારખાનેદારો અને પેઢી દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી.જે અંતર્ગત સુરતમાં રત્ન કલાકારોને દિવાળી બોનસ આપવા ડાયમંડ કંપનીને નોટીસ પાઠવાઈ છે.ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને સમગ્ર બાબતે લેખિત રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખી લેબર વિભાગે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી અનેક હીરાની પેઢીઓને દિવાળી બોનસ ન આપતા નોટીસ પાઠવી છે. તેમજ સુરત લેબર વિભાગે રત્નકલાકારોને દિવાળી બોનસ ચુકવણી માટે સુરત ડાયમંડ એસોસિયેશન સાથે બેઠક કરી નિરાકરણ લાવવા માટે પત્ર લખ્યો છે.
સુરતમાં અનેક રત્ન કાલાકારો દિવાળી બોનસની રાહ જોઈ રહ્યા છે. વર્ષે લાખો રૂપિયાનો નફો કરતા કારખાનેદારો અને હીરાની પેઢીઓ રત્ન કલાકારોને બોનસ આપતા નથી. આથી ડાયમંડ વર્કર યુનિયને કારીગરોને બોનસ આપવાની માગણી કરી છે. અને જિલ્લા કલેક્ટરને પણ રજુઆત કરાતા કલેક્ટરે લેબર વિભાગના તાકિદ કરતાં લેબર વિભાગે કારખાનેદારો અને પેઢીને નોટિસ ફટકારી છે. રત્નકલાકારોને દિવાળી બોનસ નહીં આપવામાં આવે તો જવાબદાર કંપની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
સુરતમાં કોરોના બાદ ડાયમંડ ઉદ્યોગમાં તેજી જોવા મળી છે. તેમજ હાલ દિવાળીને ધ્યાનના રાખીને કારખાનામાં કામ પણ વધી રહ્યા છે. તેમજ કારીગરો દ્વારા મહેનત પણ કરવામાં આવી રહી છે. તેમજ કારીગરોના બોનસના હક્ક પર કેટલાક કારખાના માલિકો તરાપ મારવાની ફિરાકમાં છે. જો કે આ દરમિયાન કારીગર યુનિયને લેબર વિભાગમાં અરજી કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતના ડાયમંડ ઉદ્યોગના હજારો લોકો રોજગારી મેળવે છે તેમજ કારીગરોની સંખ્યા પણ વધારે છે. તેવા સમયે કેટલાક કારખાના માલિકો કારીગરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમનું શોષણ કરી રહ્યા છે. (File photo)