1. Home
  2. ગુજરાતી
  3. દેશની એકતા અને અખંડતા માટે હરહંમેશ સમર્પિત રહેનારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, જાણો તેમના જીવન વિશે
દેશની એકતા અને અખંડતા માટે હરહંમેશ સમર્પિત રહેનારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, જાણો તેમના જીવન વિશે

દેશની એકતા અને અખંડતા માટે હરહંમેશ સમર્પિત રહેનારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, જાણો તેમના જીવન વિશે

0
Social Share
  • આજે 25મી સપ્ટેમ્બર એટલે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ
  • પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ઓળખ કર્મઠતા, દૃઢ નિશ્વય, લગન, નિષ્ઠા, ત્યાગ જેવા તેમના ગુણો હતા
  • દીનદયાળ ઉપાધ્યાય દેશની એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહ્યા

સંકેત. મહેતા

“અશિક્ષીત, સમાજનો કચડાયેલો વર્ગ આપણા નારાયણ છે. આપણું સામાજીક દાયિત્વ અને ધર્મ તેમને આદર આપવામાં છે. જે દિવસે આપણે આ લોકોને સુંદર ઘરનું નિર્માણ કરીને આપીશું, જે દિવસે તેઓના સંતાનો તેમજ સ્ત્રીઓને શિક્ષા અને જીવનદર્શનનું જ્ઞાન આપીશું, તેઓને ઉદ્યોગ અને ધંધાની શિક્ષા આપીને તેમના માટે આવકનો સ્ત્રોત ઉભો કરીશું તે દિવસે આપણામાં બંધુત્વની ભાવના વ્યક્ત થશે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં સમય થંભી ગયો છે, જ્યાં માતા-પિતા પોતાના સંતોનાને કંઇક બનાવવામાં અસમર્થ રહ્યા છે ત્યાં જ્યાં સુધી આપણે આશા તેમજ પુરુષાર્થનો સંદેશો નહીં પહોંચાડીએ ત્યાં સુધી આપણે રાષ્ટ્રને જાગૃત નહીં કરી શકીએ.” આ શબ્દ છે વિચારક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, પત્રકાર, લેખક, સંપાદક અને જાણીતા અર્થશાસ્ત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના. આ શબ્દો એક મજબૂત રાષ્ટ્રનિર્માણ માટેની આવશ્યકતાઓ પર પ્રકાશ પાડે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાસન તેમજ રાજનીતિના વૈકલ્પિક પ્રારૂપોથી પ્રસ્તાવક હતા. તેઓનું માનવું હતું કે, ભારત માટે સામ્યવાદ કે મૂડીવાદ યોગ્ય નથી. તેઓના મૉડલને એકાત્મક માનવદર્શનનો સિદ્વાંત કહેવામાં આવે છે. જેને ભારતીય જનસંઘે એક વૈચારિક દિશા નિર્દેશના રૂપમાં મનાવ્યું.

વર્ષ 1940ના દાયકામાં તેઓએ લખનઉથી માસિક ‘રાષ્ટ્રધર્મ’, સાપ્તાહિક પાંચજન્ય દૈનિક ‘સ્વદેશ’ની શરૂઆત કરી. તેઓનુ માનવું હતું કે કોઇપણ રાજ્ય પર શાસન કરવા માટે યોગ્ય માર્ગદર્શક સિદ્વાંત માત્ર ધર્મ જ છે. તેઓએ જ હિંદીમાં ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ નાટક તેમજ ‘શંકરાચાર્ય’ ના જીવન વિશે લખ્યું.

પંડિત દિનદયાલ ઉપાધ્યાય 25મી સપ્ટેમ્બર 1916 ના રોજ સોમવારે પવિત્ર વ્રજ ભૂમિના પ્રદેશમાં મથુરા જિલ્લામાં આવેલા નાંગલાચંદ્રવન ખાતે જન્મ્યા હતા. તેમના પિતા પ્રખર જયોતિષ હતા.  તેમના જન્માક્ષર જોઇને તેમણે ભવિષ્ય ભાખ્યું હતું કે એક દિવસ આ છોકરો મહાન વિદ્વાન પંડિત અને ચિંતક, નિસ્વાર્થી કાર્યકર અને અગ્રણી રાજકીય નેતા બનશે – પરંતુ તે અવિવાહિત રહેશે.  ભાતપુર ખાતે પરિવાર પર આફત સર્જાઇ જેમાં તેમણે ૧૯૩૪ માં પોતાનો ભાઇ ગુમાવ્યો હતો. ત્યાર પછી તેઓ સિકરમાં હાઇસ્કુલમાં ભણવા ગયા. સિકરના  મહારાજાએ પંડિત ઉપાધ્યાયને ગોલ્ડ મેડલ અને ચોપડીઓ માટે રૂા.૨૫૦ આપ્યા તથા માસિક રૂા.૧૦ ની શિષ્યવૃત્તિ બાંધી આપી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ઓળખ કર્મઠતા, દૃઢ નિશ્વય, લગન, નિષ્ઠા, ત્યાગ જેવા તેમના ગુણો હતા. વર્ષ 1937માં દીનદયાળ બી.એ.નું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે કાનપુર ગયા હતા. ત્યાં શિક્ષણ દરમિયાન તેઓ બાબા સાહેબ આપ્ટે, દાદારાવ પરમાર્થ અને વીર સાવરકરના સંપર્કમાં આવ્યા હતા. ક્રાંતિકારીઓ તેમજ સમાજ ઉત્થાન માટે સમર્પિત રહેનારા લોકોના સંપર્કથી તેઓ સાર્વજનિક જીવનમાં ચેતના પેદા કરવા, દેશને આઝાદી અપાવવાની, સેવા અને નૈતિક સુધારના માધ્યમથી લોકોને જાગરૂક કરવાની તેમજ ભારતના પ્રાચીન ગૌરવની પુનર્સ્થાપના માટે કામ કરવા પ્રેરિત થયા. કાનપુરમાં વસવાટ દરમિયાન તેઓએ ઝીરો ક્લબ બનાવ્યું હતું જ્યાં અભ્યાસમાં નબળા એવા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું.

પ્રત્યેક પરીક્ષામાં કોઇપણ અપવાદ વગર પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ થનાર દીનદયાળ ઉપાધ્યાયે પોતાના દરેક શૈક્ષણિક પ્રમાણપત્રોને બાળી નાંખ્યા જેથી ભાવિમાં કોઇ દબાણને વશ થઇને ગૃહસ્થ જીવન અપનાવવા મજબૂર ના બનવું પડે અને ત્યારબાદ સદાય માટે સ્વયંને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા હતા. રાષ્ટ્ર અને સમાજ સેવા હેતુસર તેઓએ રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘમાં જોડાયા હતા.  લગન, પરિશ્રમ, ચિંતન અને જ્ઞાનથી ઓતપ્રોત દીનદયાળજી ભારતને એક સ્વાભિમાની રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત કરવા માટે હંમેશા સમર્પિત રહ્યા હતા. આ માટે તેઓએ રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને ઑર્ગેનાઇઝર જેવા પત્ર પત્રિકાઓનું પણ સંપાદન કર્યું.

જ્યારે રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર શ્યામા પ્રસાદ મુખર્જીએ કોંગ્રેસ મંત્રીમંડળથી ત્યાગપત્ર આપ્યું અને ભારતીય જનસંઘની સ્થાપના કરી તો દીનદયાળજીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 1967માં તેઓ જનસંઘના અધ્યક્ષ બન્યા. પોતાની સંબોદન કળા, લેખન, સંગઠન ક્ષમતાથી તેઓ અખિલ ભારતીય સ્તર પર ભારતીય મૂલ્યો પર આધારિત રાજનીતિનો મુખ્ય અવાજ બનીને આગળ આવ્યા.

દીનદયાળ ઉપાધ્યાય દેશની એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહ્યા. તેઓનું માનવું હતું કે રાષ્ટ્રની નિર્ધનતા તેમજ અશિક્ષાને દૂર કર્યા વગર વાસ્તવિક ઉન્નતિ સંભવ નથી. નિર્ધન અને અશિક્ષિત લોકોના ઉત્થાન માટે તેઓએ અંત્યોદયની સંકલ્પનાનું સૂચન કર્યું. તેઓનું કહેવું હતું કે સમાજના વંચિત વર્ગના કચડાયેલા લોકો જ આપણા નારાયણ છે અને તેઓની પૂજા અને આદર કરવો એજ આપણું સામાજીક દાયિત્વ અને ધર્મ છે.  તેઓની આ વિચારધારા માત્ર લેખન, ભાષણ કે ચિંતન સુધી જ સીમિત ન હતી. તેઓ દેશભરમાં જ્યાં પણ પ્રવાસ અર્થે જતા હતા ત્યાં માત્ર સમાજના એ કચડાયેલા લોકોના આવાસ પર જ નિવાસ કરતા હતા.

દીનદયાળજીનું આર્થિક ચિંતન પણ ભારતની તત્કાલીન વાસ્તવિકતાઓ પર આધારિત હતું. તેઓ મનુષ્ય-મનુષ્ય વચ્ચેના પારસ્પરિક બનાવટી સંબંધોથી નાખુશ હતા. તેઓનું માનવું હતું કે એક તરફ શોષણ, ગરીબી, ભુખમરો અને બીજી તરફ અર્થતંત્રનો એકાધિકાર હોય ત્યાં માનવીનો વિકાસ માત્ર એક કપટ છે. આર્થિક વિષમતાને દૂર કરીને જ વ્યક્તિના સન્માન તેમજ પ્રતિષ્ઠાને સ્થાપિત કરી શકાય છે. ભારતની અર્થનીતિ જીવનની મૂળભૂત આવશ્યકતાઓથી વંચિત લોકોના ઉત્થાન પર કેન્દ્રિત હોવી જોઇએ.

ભારતની એકતા, અખંડતા, સંસ્કૃતિ અને ગરીબોના ઉત્થાન અને ઉન્નતિ માટે દિવસ રાત સમર્પિત અને સંકલ્પિત એવા ભારતીય રાજનીતિના આ મજબૂત વ્યક્તિત્વની સંદિગ્ધ પરિસ્થિતિઓમાં 11 ફેબ્રુઆરી, 1968માં મુગલસરાય રેલવે સ્ટેશન પર તેઓનું મૃત્યુ થયું.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પોતાના મૌલિક ચિંતન, શ્રેષ્ઠ લેખન, પત્રકારિતા, પ્રભાવશાળી વક્તા, સંગઠનકર્તા તેમજ જન જોડાણના માધ્યમથી પોતાના અંતિમ શ્વાસ સુધી ભારત વર્ષની અતુલનીય સેવા કરી, તેઓના મહાન ત્યાગ, સમર્પણ, સંઘર્ષ અને ચિંતનના યોગદાન માટે આ રાષ્ટ્ર સદાય તેમને આભારી રહેશે. તેઓના સપનાના ભારતનું નિર્માણ થાય અને લોકો ઉન્નતિ કરે તેમજ તેઓના સંકલ્પ અને બલિદાન પ્રતિ કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી આ જ સૌથી મોટી શ્રદ્વાજંલિ હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code