Site icon Revoi.in

ગાંધીનગરમાં 13મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

Social Share

ગાંધીનગરઃ  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 13 સપ્ટેમ્બરને શનિવારે  નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ લોક અદાલત યોજાશે. જેનો ઉદ્દેશ બંને પક્ષો વચ્ચે સમાધાનથી કેસનો સુખદ નિકાલ લાવવાનો છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 13 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોક અદાલત ગાંધીનગર ખાતે યોજાશે. આ લોક અદાલત ગાંધીનગર જિલ્લાની તમામ જિલ્લા અને તાલુકા અદાલતોમાં યોજાશે. તેનું અધ્યક્ષપદ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના અધ્યક્ષ હિતાબેન આઈ. ભટ્ટ સંભાળશે. લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (કલમ 138)ના કેસો, બેંકના લેણાંના દાવા, મોટર અકસ્માત વળતરના કેસો, શ્રમ કાયદાને લગતા કેસો, વીજળી અને પાણીના બિલને લગતા કેસો, લગ્ન વિષયક કેસો (છૂટાછેડા સિવાયના), તથા જમીન સંપાદન, રેવન્યુ અને અન્ય સિવિલ કેસો અને ટ્રાફિક ઈ-મેમોના કેસો સમાધાન માટે મુકી શકાશે.

લોક અદાલતમાં જે પક્ષકારો, બેંકો, વીમા કંપનીઓ કે નાણાકીય સંસ્થાઓ તેમના પેન્ડિંગ અથવા પ્રી-લિટીગેશન કેસનો સમાધાનથી નિકાલ કરવા ઈચ્છે છે. તેઓ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર અથવા કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગરની તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રૂમ નંબર 101, પ્રથમ માળ, ન્યાયમંદિર, સેક્ટર-11, ગાંધીનગરનો સંપર્ક કરવાનો રહેશે.