
- મનોરંજન જગતને વધુ એક આંચકો
- ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકને કારણે નિધન
- છેલ્લે વેબ શો બંદિશ બેન્ડીટ્સમાં કર્યું હતું કામ
અમદાવાદ: ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. તેના મેનેજર મહર્ષિ દેસાઇએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. શુક્રવારે સવારે હાર્ટ અટેકને કારણે એક્ટરે નાની વયે દુનિયાને અલવિદા કહ્યું. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ અમિત મિસ્ત્રીના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ગુજરાતી એક્ટર અમિત મિસ્ત્રીએ ટીવી સિરિયલ તેનાલી રામા, મેડમ સર ઉપરાંત બોલિવૂડ ફિલ્મ્સ યમલા પગલા દિવાન અને શોર ઇન ધ સિટીમાં પણ કામ કર્યું હતું. તે ઉપરાંત અમિત મિસ્ત્રીએ વેબ શો બંદિશ બેન્ડીટ્સમાં પણ ભૂમિકા નિભાવી હતી.
અમિતના મેનેજર મહર્ષિએ કહ્યું કે, મને આંચકો લાગ્યો છે. તે એકદમ સ્વસ્થ હતો અને પોતાના ઘરે જ હતો. તેને કોઇ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નહોતી. બ્રેકફાસ્ટ કર્યા પછી તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઘરે જ નિધન થયું. અમિત જેવા પ્રતિભાશાળી એક્ટરને ગુમાવીને કલાજગતને મોટી ખોટ પડી છે. તેની સાથે કામ કરવું મને ગમતું હતું. મને તેની યાદ આવશે.
નોંધનીય છે કે, એમેઝોન પ્રાઇમ પર આવેલી વેબ સિરીઝ બંદિશ બેન્ડીટ્સમાં દેવેન્દ્ર રાઠોડ તરીકે પ્રખ્યાત થયેલા અમિત મિસ્ત્રીએ આજે સૌને અલવિદા કહ્યું છે. તેઓએ ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો ઓજસ પાથર્યો હતો. તેની અણધારી વિદાયથી કલાજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મનોરંજન ઉદ્યોગને તેની ખોટ હંમેશા સાલશે.
(સંકેત)