
- કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી
- બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો
- રાજ્યની કમાન હવે બસવરાજ બમ્મઇના હાથમાં છે
બેંગ્લુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બી એસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ નવા મુખ્યપ્રધાનના નામ પર ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઇના નામ પર મહોર લાગી છે. આ પહેલા બસવરાજ રાજ્યના ગૃહમંત્રી હતા. રાજ્યની કમાન હવે બસવરાજના હાથમાં છે.
યેદિયુરપ્પાના રાજીનામા બાદ આજે બેંગલુરુમાં ભાજપના ધારાસભ્યો દળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હીથી કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી અને ધર્મેન્દ્ર પ્રધાન પહોંચ્યા હતા. આ ધારાસભ્ય બેઠકમાં યેદિયુરપ્પાએ બસવરાજ બોમ્મઇના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કોણ છે બસવરાજ બોમ્મઇ
61 વર્ષીય બસવરાજ બોમ્મઇને કર્ણાટકની કમાન સોંપવામાં આવી છે. અત્યારસુધી રાજ્યના ગૃહ મંત્રીનો પદભાર સંભાળી રહેલા 61 વર્ષીય બસવરાજને યેદિયુરપ્પાના નિકટવર્તી માનવામાં આવે છે. તેઓ વર્ષ 2018માં જનતા દળ સેક્યુલર છોડી ભાજપમાં સામેલ થયા હતા અને ત્યારથી પાર્ટીમાં છે. તે ભાજપની નીતિઓએ સ્પષ્ટપણે જાણે છે અને સિદ્વાંતોમાં માને છે.