- આગામી માર્ચ સુધી દેશના 13 એરપોર્ટની ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ થશે
- પેસેન્જર રેવન્યૂ દીઠ મોડલનો બિડિંગ માટે ઉપયોગ કરવામાં આવશે
- ભુવનેશ્વર, વારાણસી, ત્રિચી, ઇન્દોર સહિતના એરપોર્ટનું ખાનગીકરણ થશે
નવી દિલ્હી: સરકાર આ વર્ષે 13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે. સરકારી માલિકીની એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા સંચાલિત 13 એરપોર્ટનું ખાનગીકરણ હાથ ધરવામાં આવશે. આ માટે PPP મોડલ પર બોલી લગાવવા માટે ઉડ્ડયન મંત્રાલયને 13 એરપોર્ટની યાદી મોકલવામાં આવી છે. AAIના પ્રમુખ સંજીવ કુમારે આ જાણકારી આપી છે.
પેસેન્જર રેવન્યૂ દીઠ મોડલનો બિડિંગ માટે ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં આ મોડલના વપરાશમાં સફળતા મળી છે.
જે એરપોર્ટનું ખાનગીકરણ કરાશે તેમાં ભુવનેશ્વર, વારાણસી, ત્રિચી, ઇન્દોર, રાયપુર, અમૃતસર, ઝારસુગુડા, ગયા, કાંગડા, કુશીનગર, તિરુપતિ, જબલપુર અને જલગાંવ સામેલ છે. ખાસ કરીને મોટા રોકાણકારોને આકર્ષિત કરવા માટે આ નાના એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડવામાં આવશે.
આપને જણાવી દઇએ કે ઝારસુગુડા એરપોર્ટને ભુવનેશ્વર સાથે જોડાશે, કુશીનગર અને ગયા એરપોર્ટને વારાણસી, કાંગડાને અમૃતસર, જબલપુરને ઇન્દોર, જલગાંવને રાયપુર, ત્રિચિને તિરુપતિ એરપોર્ટ સાથે જોડવામાં આવશે.