સાબરકાંઠાઃ વિદ્યાર્થીઓ જીવના જોખમે જીપકારની છત ઉપર બેસીને મુસાફરી કરવા બન્યાં મજબુર, વીડિયો વાયરલ
અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે ખીચોખીચ ભરેલી જીપકારની છત ઉપર મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે. જેથી ટ્રાફિક પોલીસ અને એસટી નિગમની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ વિદ્યાર્થીઓનો ખાનગી વાહનની છત ઉપર મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં આ વીડિયો સાબરાકાંઠાના ખેડબ્રમાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં જાહેર માર્ગો ઉપર ખીચોખીચ મુસાફરોથી ભરેલા ખાનગી વાહનની છત ઉપર વિદ્યાર્થીઓ જીવના જોખમે પ્રવાસ કરતા જોવા મળ્યાં હતા. આ વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. એટલું જ નહીં હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહનચાલકોને પકડીને તેમની પાસેથી દંડ વસુલતા ટ્રાફિક પોલીસને શું જાહેર માર્ગ ઉપર જીપકારની છત ઉપર મુસાફરી કરતા વિદ્યાર્થીઓ નજરે નહીં પડતા હોય તેવા સવાલો ઉઠી રહ્યાં છે. એટલું જ નહીં એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી તેવા સવાલો થઈ રહ્યાં છે.
દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં એસટી બસની અવ્યવસ્થા છે. જેથી વિદ્યાર્થીઓ આવી રીતે જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબુર બન્યાં છે. એટલું જ નહીં આ અંગે ખેડબ્રમા એસટી ડેપોમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પુરતી બસ નહીં હોવાનો ડેપો મેનેજરે બચાવ કર્યો હતો. બીજી તરફ આ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બને ત્યારે પોલીસ ફરિયાદ નોંધવાને બદલે પીડિત પરિવાર અને વાહન ચાલક વચ્ચે રહીને સમાધાન કરાવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.