ભારત વિરુદ્વ ISIના મોટા કાવતરાનો પર્દાફાશ, આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનું હતું ષડયંત્ર
- ભારત વિરુદ્વ ISIના કાવતરાનો પર્દાફાશ
- હિમવર્ષ પહેલા કાશ્મીરામાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનું હતું પ્લાનિંગ
- ISI મોટા પાયે આતંકીઓને ઘૂસાડવાની ફિરાકમાં હતું
નવી દિલ્હી: પાકિસ્તાન સતત ભારત વિરુદ્વ અનેક નાપાક ષડયંત્રો અને કાવતરા ઘડવાના પ્રયાસો કરી રહ્યું છે અને તેમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI તેને સાથ આપી રહી છે. ISI કાશ્મીરમાં મોટા પાયે આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો PoKમાં લશ્કર, જૈશ અને અલ બદરના આતંકીઓએ બેઠક કરીને કાશ્મીરમાં વધુને વધુ આતંકીઓની ઘૂસણખોરી કરવાનું કાવતરું ઘડ્યું છે.
સૂત્રો અનુસાર, હિમવર્ષા પહેલા સરહદ પારથી ISI આતંકીઓને કાશ્મીરામં મોટા પાયે ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી LoC સાથે જોડાયેલા રસ્તાઓમાં હિમવર્ષા પહેલા આતંકીઓની ઘૂસણખોરીના કિસ્સાઓ વધી શકે છે. હિમવર્ષા થાય ત્યારે રસ્તાઓ પર બરફ પડવાને કારણે ઘૂસણખોરી નથી થઇ શકતી એટલે હિમવર્ષા પહેલા આ કાવતરાને અંજામ આપવાનું પ્લાનિંગ છે.
એક ખાનગી રિપોર્ટ અનુસાર LoC સાથે જોડાયેલા લોન્ચ પેડ પર 200 થી 250 આતંકીઓ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. આ બાદથી સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને આઇબી પણ એલર્ટ પર છે.
સુરક્ષા એજન્સીઓના એક અધિકારી અનુસાર, ગત મહિને 6 આતંકીઓના એક ગ્રુપે જમ્મૂના નેશનલ હાઇવે મારફતે ઘાટીમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. આતંકીઓનું આ ગ્રૂપ લાઇન ઑફ કંટ્રોલ મારફતે જમ્મૂ થઇને ઘાટીમાં ઘૂસવાની ફિરાકમાં હતું. ત્યારબાદ સેનાના ફાઉન્ટર ઇંફલિટ્રેશન અને કાઉન્ટર ટેરરની એક ટૂકડી આતંકીઓની શોધખોળ કરવા માટે રાજૌરી અને પુંછમાં સર્ચ ઑપરેશનમાં લગાવવામાં આવી હતી. હવે કદાચ આતંકીઓ ફરીથી PoKમાં દાખલ થઇ ગયા હોય એવું બની શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 11 ઑક્ટોબરના રોજ સેનાની આતંકીઓ સાથે અથડામણ થઇ હતી. જેમાં પુંછના ડેરાની ગલીમાં 5 જવાન આતંકીઓના હુમલામાં શહીદ થયા હતા. તેના 3 દિવસ પછી મેંઢરમાં 4 જવાન આતંકી હુમલામાં શહીદ થયા હતા.